Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

નીચલી અદાલતો ૨૩મીથી ફિઝિકલી શરૂ કરવા નિર્દેશ

કોરોના કાળમાં ઓનલાઈન કાર્યવાહી ચાલુ હતી : ગુજરાત હાઈકોર્ટ દ્વારા માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવેલી નીચલી અદાલતોને કામગીરીની મંજૂરી ન મળી

અમદાવાદ, તા. ૪ : કોરોનાકાળમાં લોકડાઉન બાદ રાજ્યમાં નીચલી અદાલતોની ઓનલાઈન કાર્યવાહી ચાલી રહી હતી. પણ હવે અનલોકના તબક્કામાં ફરી અદાલતોમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોમાં ૨૩ નવેમ્બરથી ફિઝિકલ શરૂ કરવા માટે નિર્દેશ કર્યો છે. જો કે, માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવેલી નીચલી અદાલતોને કામગીરી કરવાની મંજૂરી મળી નથી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વારા જાહેર કરવામાં આવેલાં પરિપત્ર પ્રમાણે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટને બાદ કરતાં તમામ નીચલી કોર્ટોમાં કામગીરી કરવાની મંજુરી મળી છે. તે ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોની ડિસ્ટ્રીક્ટ કોર્ટો તથા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટોમાં અગાઉની ગાઈડલાઈન પ્રમામે કામગીરી કરવાની રહેશે.

આ ઉપરાંત ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, નીચલી કોર્ટમાં ફિઝીકલ કામગીરી માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ નિયત કરેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોર્ટો તમામ કામકાજના દિવસોમાં તમામ પ્રકારા કેસો હાથ પર લઈ શકશે. તે ઉપરાંત સંબંધિત કોર્ટમાં પેન્ડીંગ કેસોના નંબર પ્રિન્સીપલ જયુડીશ્યલ ઓફિસર નકકી કરશે. હાઇકોર્ટ દ્વારા કામગીરીને લગતી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે અને તેનો ચુસ્ત અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજે દરેક કોર્ટ સંકુલમાં કોરોનાને લગતી કામગીરી પર વોચ રાખવા માટે એક ખાસ કોવિડ ઓફિસરની નિયુકિત કરવાની રહેશે. કોરોના સંક્રમણ અટકાવવા માટે તેમની તથા તેમને ફાળવેલા સ્ટાફની જવાબદારી રહેશે.

તમામ કોર્ટ સંકુલમાં માત્ર એક જ દરવાજો ખુલ્લો રાખવાનો રહેશે. માસ્ક પહેર્યા વિના કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવામાં નહીં આવે, કોર્ટમાં પ્રવેશતા તમામ જજ, વકીલ, કર્મચારીઓ વગેરેનો થર્મલ ચેકીંગ કરવાનું રહેશે. તાવ કે અન્ય લક્ષણો માલુમ પડે તો કોર્ટ સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. કોર્ટ સંકુલના દરવાજે હેન્ડ સેનીટાઈઝર રાખવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. સમગ્ર કોર્ટ સંકુલ દરવાજા, ખુરશી, કેસ ફાઇલીંગની બારી વગેરેની નિયમિત સાફ સફાઇ કરવાની રહેશે. અદાલતમાં જજ તથા એડવોકેટ અને અસીલ વચ્ચે એક્રેલીક સીટ રાખવાની સુચના પણ આપવામાં આવી છે. આ જ પ્રકારે વહીવટી વિભાગમાં પણ એક્રેલીક સીટ રાખવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટની કામગીરી સવારે ૧૦.૪૫થી બપોરે ૪ વાગ્યા સુધી નિર્ધારીત કરવામાં આવી છે. અસીલની જરૂર ન હોય તો તેઓને કોર્ટમાં રૂબરૂ હાજર ન રહેવાની સલાહ આપી છે. ફેરીયાઓ તથા મુલાકાતીઓ માટે પ્રવેશબંધી રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. કેન્ટીનમાં માત્ર ચા-કોફી-પાણી તથા પેકડ ફૂડ વેચવાની છુટ રહેશે. એટીએમ હોય તો પણ તે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે.

(9:10 pm IST)