Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રંગપુર નજીકથી શામળાજી પોલીસે વાહન ચેકીંગ હાથ ધરી 19 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોડાસા: ગુજરાત-રાજસ્થાન બોર્ડરની અણસોલ ચેકપોસ્ટે શામળાજી પોલીસનું રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકીંગ હાથ ધરાય છે. છતાં રૂ.૧૯,૮૯,૦૦૦ની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ચેકપોસ્ટ વટાવી છેક રંગપુર સેલટેક્ષ કચેરી સુધી ઘૂસી આવતાં અને જીએસટી સ્ક્વોડના ચેકીંગમાં ઝડપાતા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગની કાગમીરી સામે જ સવાલો ઉઠયા છે.

જ્યારે એસજીએસટીના અધિકારીઓના ચેકીંગ દરમિયાન બેટરીના ભંગારના સ્ક્રેપની આડમાં છુપાવી રાજ્યમાં ઘુસાડાતો ૫૧૦ પેટી વિદેશી દારૂનો જથ્થો શામળાજી પોલીસને હવાલે કરાયો હતો. શામળાજી પોલીસે ટ્રક છોડી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કુલ રૂ.૨૯,૮૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

નેશનલ હાઈવે માર્ગના શામળાજી નજીક આવેલ સેલટેક્ષ કચેરી બિલ્ડીંગ પાસે રાજ્યના જીએસટી વિભાગના અધિકારીની સ્કવોર્ડ દ્વારા રવિવારે ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રકને અટકાવી જરૂરી પેપર અને ટ્રક તપાસ હાથ ધરાઈ હતી. જીએસટી અધિકારીઓની સ્થળ તપાસમાં ટ્રકમાં ભરેલ બેટરીના ભંગારના સ્કેબ નીચે ટ્રકની બોડીમાં ખાનું બનાવાયેલું મળી આવ્યું હતું. અને અધિકારીઓને શંકા જતાં વધુ તપાસ કરતાં અંદરના ચોરખાનામાં મોટાપ્રમાણમાં દારૂ ભરેલ હોવાનું જણાતાં અધિકારી કે.કે. મહેશ્વરી એ શામળાજી પોલીસને જાણ કરી હતી. શામળાજી પોલીસ અને સ્ટેટ જીએસટી અધિકારીઓની હાજરીમાં ચોરખાનામાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની ૫૨૦ પેટીઓનો ગેરકાયદેસર જથ્થો બહાર કાઢી ટ્રક છોડી ભાગી ગયેલ ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.શામળાજી પોલીસે રૂ. ૧૯,૮૯,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૭૭૭૬ બોટલ,ટ્રક મળી કુલ રૂપિયા ૨૯,૮૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)