Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજપીપળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના ૩ અને તાલુકા કક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

મંત્રી પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાના ૩ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર લેખે અને તાલુકાકક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજાર લેખે પુરસ્કાર સહિત શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુજરાતના સહકાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ,સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી વિલીયમ,જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.નૈષધ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઇ ભગત, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઇ પટેલ ઉપરાંત ફતેસિંહ વસાવા, ઉપેન્દ્રભાઇ પટેલ સહિત સંઘના અન્ય હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલાં વિજેતા શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે રાજપીપળા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
નર્મદા જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર,શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરતાં ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહભાઈ પટેલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી શિક્ષક દિન તરીકે થઇ રહેલી ઉજવણી અંગે જણાવ્યું હતું કે સાચા ગુરૂની સંગતથી પ્રભુ-પરમાત્માને પણ પામી શકાય એટલી વિરાટ શક્તિ ગુરૂ પાસે રહેલી હોય છે.શિક્ષક એ માત્ર જ્ઞાનના પ્રચાર કે પ્રસાર પૂરતા સિમિત નથી. શિક્ષકના માધ્યમથી માનવી સાચા અર્થમાં માનવી બને છે. શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી ધન્યતાની લાગણી અનુભવતા મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ સન્માન સમગ્ર નર્મદા જિલ્લાના શિક્ષકોનું સન્માન છે. તેમની કામગીરીમાંથી અન્ય શિક્ષકો એ પ્રેરણા લઇને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણરૂપી મશાલને વધુ પ્રજ્જવલિત કરવાની દિશામાં કટિબધ્ધ થવાનો ખાસ અનુરોધ કરી સર્વાંગી વિકાસમાં નર્મદા જિલ્લો અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચનાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ આજની શિક્ષક દિનની ઉજવણીમાં જિલ્લા-તાલુકાકક્ષાના શિક્ષકો ના આજે કરાયેલા સન્માનને નર્મદા-ભરૂચ જિલ્લાના તમામ શિક્ષકોના સન્માન તરીકે લેખાવીને માતા-પિતા પછી બાળક- વિદ્યાર્થીઓનો મોટાભાગનો સમય શિક્ષકો પાસે હોય છે. બાળકમાં સંસ્કારનું સિંચન કરીને શ્રેષ્ઠ ભાવિ નાગરિકનું ઘડતર કરે છે. કોઇપણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ ઉપર આધારિત છે, ત્યારે નર્મદા જિલ્લામાં શાળાના સમય ઉપરાંત જાહેર રજાના દિવસો-વેકેશનમાં પણ પાઠ્ય પુસ્તકો સિવાય બાળકોને ભવિષ્ય માં ઉપયોગી બની રહે તે રીતનું જ્ઞાન પીરસીને વિદ્યાર્થી ઓનું ઘડતર કરી રહેલા શિક્ષકોના શિક્ષણ કાર્યને બિરદાવી તેમણે અભિનંદન પાઠવ્યાં હતાં.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકોનું આગવું, અનેરૂં અને ઉંચુ સ્થાન છે. રાજા-મહારાજાઓના વહિવટમાં પણ શિક્ષકોનો ફાળો નોંધપાત્ર રહેલો છે.બાળકોમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનની જ્યોત પ્રજ્જવલિત કરવાનું કામ શિક્ષકોનું રહેલું છે. તેમના અભ્યાસકાળ દરમિયાનના ગુરૂજીના સંસ્મરણો વાગોળી શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ અને ઉત્થાન થાય તે રીતનું જ્ઞાન પીરસવાની તેમણે હિમાયત કરી હતી.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાના ૩ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર લેખે અને તાલુકાકક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજાર લેખે પુરસ્કાર સહિત શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરાયા હતાં.

પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી.ડૉ.નૈષધભાઇ મકવાણા એ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ એમ.પટેલે આભારદર્શન કર્યું હતું.

(4:10 pm IST)