Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આગામી પાંચ જ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે : રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલતા શ્રીવિજયભાઇ રૂપાણી : રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાધનને નોકરીની તકો મળી

રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટે નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ આદેશો : ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તે જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીશ્રીની સુચના : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએએજીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો : રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીશ્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો

ગાંધીનગર :::મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે  તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જી.પી.એસ.સી., ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના યુવાનોને રાજ્ય સરકારની સેવામાં જોડાવાના અવસરો મળે તે માટે ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાના સ્પષ્ટપણે જણાવ્યું છે.  

આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પણ તાત્કાલિક ધોરણે સમયબદ્ધ ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપી છે. 

એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ જી.પી.એસ.સી., ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૃહ વિભાગ અને સામાન્ય વહિવટ વિભાગને તાત્કાલિક ધોરણે ભરતીઓનો દૌર આગળ ધપાવવા સપષ્ટપણે જણાવ્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેરાત થવાના બાકી હતા તેવી ૪૩૦૮ જેટલી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણ થી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી ૮૦૦૦ જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વરે પૂરી કરવામાં આવશે. 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના રોજગાર વાંચ્છુ અને હોનહાર યુવાધનને વેળાસર અને વ્યાપક રોજગારીના સરકારી નોકરીમાં અવસર મળે તે માટે માર્ગ મોકળો કર્યો છે. 

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગઇ છે પરંતુ પરિક્ષા લેવાઇ નથી તેવી ૯૬પ૦ જેટલી જગ્યાઓ માટેની ભરતી પણ જાન્યુઆરી-ર૦ર૧થી શરૂ કરી દેવા તેમણે તાકિદ કરી છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ યુવા રોજગારલક્ષી નિર્ણયોને પરિણામે રાજ્યના અંદાજે ર૦ હજારથી વધુ યુવાઓને અંદાજે આગામી પાંચ મહિનામાં સરકારી સેવામાં નોકરીની તકો મળતી થશે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યુવાનોને સરકારી નોકરીઓમાં બહોળી સંખ્યામાં તક મળે અને ગુજરાતના વહિવટી તંત્રને ઉચ્ચ ગુણવત્તાવાળા ટેકનોસેવી માનવબળ મળે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 

ગુજરાત એક વિકાસશીલ રાજ્ય તરીકે સમગ્ર દેશમાં અગ્રેસર છે. એટલું જ નહિ, છેલ્લા બે દાયકાથી ગુજરાતે રોજગારી આપવામાં પણ પ્રથમ ક્રમ મેળવેલો છે. 

ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન સરકારી નોકરીઓની ભરતી ઉપર પ્રતિબંધ હોવાને કારણે રાજ્યના લાખો યુવાનો વર્ષો સુધી સરકારી નોકરીઓની તકથી વંચિત રહેતા હતા. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પારદર્શી અને ઝડપી તથા સરળ ભરતી પ્રક્રિયાઓને પરિણામે છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને રાજ્ય સરકારની નોકરીઓમાં તક મળી છે. 

એટલું જ નહિ, રાજય સરકારે પહેલીવાર ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરીને સમયબદ્ધ ભરતી થતી રહે તે સુનિશ્ચિત કર્યું છે. 

અગાઉની સરકારોમાં જી.પી.એસ.સી.ની પરિક્ષાઓ લેવામાં અને તેના પરિણામો જાહેર કરવામાં લાંબો સમય જતો અને યુવાનો નોકરીની તકોથી વંચિત રહેતા તેનું નિવારણ લાવતા હવે જી.પી.એસ.સી. પણ ભરતી કેલેન્ડર દ્વારા એક જ વર્ષના ટુંકાગાળામાં સમયબદ્ધ અને ઝડપી સ્પર્ધાત્મક પરિક્ષાઓ સહિતની બધી જ  ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. 

મુખ્યમંત્રીશ્રીએ હવે આ ભરતી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી તેમજ સમયસર બનાવી રાજ્યના યુવાધનને કારકીર્દી ઘડતર માટેના ઉત્તમ અવસરો આપ્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ ભરતી પ્રક્રિયાઓ સમયબદ્ધ, નિર્ધારીત આયોજન મુજબ પૂર્ણ થાય તે હેતુસર વિવિધ વિભાગો, ભરતી એજન્સીઓ, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરેને સ્પષ્ટ આદેશો પણ આપ્યા છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે કરેલા આ આગવા આયોજનના પરિણામે ઉચ્ચ ગુણવત્તાવાળું કૌશલ્યવાન ટેકનોસેવી યુવાધન રાજ્ય સરકારની નોકરીઓ દ્વારા પ્રજાજનોની સેવામાં મળતું થશે.

આ પ્રયાસોમાં મુખ્યમંત્રીશ્રીએ આજે કરેલો આ ભરતી પ્રક્રિયાનો વધુ એક નિર્ણય સિમાચિન્હ બનશે.

(4:09 pm IST)