Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

૨૦ વર્ષનો વિકાસ અને ૨૦ વર્ષનો વિશ્વાસ એ બન્ને શબ્દો એક બીજાના પર્યાય બની ગયા છે એ ગુજરાતે સિધ્ધ કરી બતાવ્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદથી રાજ્ય વ્યાપી શુભારંભ:

રાજ્યમાં તા. પ થી ૧૯ જુલાઇ સુધી યોજાશે વંદે ગુજરાત વિકાસ યાત્રા :૮૨ વિકાસ રથ સાથે ભ્રમણ કરશે – ૨૫૦૦થી વધુ કાર્યક્રમો યોજાશે: 8 મહાનગરપાલિકાઓ તથા ૩૩ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય સ્તરે રથ ફરશે:મુખ્યમંત્રીએ કહ્યું - લોકોએ મુકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે જનતા જનાર્દનને આપણે પરત આપ્યો:‘કહ્યું એ કર્યું’ ના કાર્યમંત્ર સાથે આપણા વડાપ્રધાનએ વિકાસની રાજનીતિનો નવો જ અધ્યાય દેશમાં રચ્યો છે

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ આપણામાં મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે આપણે પરત આપ્યો છે એમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.
રાજ્યમાં પાછલા બે દશકમાં થયેલા જનહિત કામો, લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસની ગાથા પ્રજાજનો સુધી પહોચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.પ થી ૧૯ જુલાઇ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાની છે.
મુખ્યમંત્રી પટેલે આ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જીલ્લા કક્ષાએ મંત્રીમંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે. ૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, ૮ મહાનગરપાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.
આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલો વિકાસનો સેવાયજ્ઞ તેમના માર્ગદર્શન હેઠળ આવનારાં વર્ષોમાં પણ ચાલતો રહેશે. આવી અનેકવિધ યોજનાઓથી જન-જન સુધી સરકાર પહોંચી રહી છે ત્યારે આ વંદે વિકાસ યાત્રા રાજ્યના નિરંતર વિકાસમાં એક નવો આયામ ઉમેરશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદીના જંગમાં આગેવાની લેનારૂં ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જીન તરીકે વિકાસની આગેવાની લઇ રહ્યું છે.
કહ્યું એ કર્યુંના કાર્યમંત્ર સાથે આપણા વડાપ્રધાનએ વિકાસની રાજનીતિનો નવો જ અધ્યાય દેશમાં રચ્યો છે. એટલું જ નહી, ગુજરાત વર્લ્ડકલાસ બન્યું છે. આજે ર૦ વર્ષમાં ગુજરાતની કાયાપલટ થઇ ગઇ છે તેનો સંપુર્ણ શ્રેય નરેન્દ્રભાઇ મોદીને જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
  મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત આજે ડબલ એન્જિન સરકારના બેવડા લાભથી સુશાસન અને વિકાસના પર્યાય તરીકે આખા વિશ્વમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નરેન્દ્રભાઇએ સર્વાંગી વિકાસના મૂળ આધાર એવા શિક્ષણ, સ્વાસ્થ્ય અને સલામતિને જન-જન સુધી પહોચાડયા છે. તેમણે દરેક ક્ષેત્રે પાયાથી માંડીને ઉંચી ઈમારત સુધીનું કામ કર્યું છે. આજે  જે વિકાસ થઈ રહ્યો છે તેને જોવા દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે,  ડ્રોપ આઉટ રેશીયો ૩૭ % થી ઘટી ૩% સુધી પહોંચ્યો છે. તેની સાથે  સાક્ષરતા દર પણ  ઉંચો આવ્યો છે. દીકરીઓ માટે અલગ શૌચાલય બનાવ્યા છે તો જેને આગળ ભણવું હોય તેમને માટે વ્યવસ્થા પણ કરી છે. ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં ૨૧ યુનિવર્સિટીઓ હતી, આજે ૧૦૨ છે. માત્ર ૨૬ એન્જિનિયરિંગ કોલેજો આખા ગુજરાતમાં બે દાયકા પહેલાં હતી, આજે ૧૩૩ એન્જિનિયરિંગ કોલેજો છે. મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માત્ર ૧,૩૭૫ સીટ હતી, આજે ગુજરાતમાં ૫,૭૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ ગુજરાતમાં જ મેડિકલમાં પ્રવેશ મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.  
રાજ્યમાં હાથ ધરાયેલી  વિકાસની ગાથાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આદિજાતિઓ, મહિલાઓ, યુવાઓ, ગ્રામીણ ગરીબો સૌનું સશક્તિકરણ થયું છે.  ગુજરાતે દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે સરકારે નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોચાડયા છે. આજે એનું સરવૈયું લોકો સમક્ષ મુકવાનો અવસર એટલે વંદે ગુજરાત વિકાસ યાત્રા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કડક કાયદા ઘડી કડક અમલ કરાયો છે. જેને લીધી રાજ્યમાં શાંતિ છે. કોમી તોફાન ભૂતકાળ બન્યો છે. બોડી વોર્ન કેમેરા જેવા આયામો સાથે શાંતિ-સુરક્ષા વધુ મજબૂત બનાવી છે. સ્ટાર્ટ અપ રેંકીંગમાં ગુજરાત પ્રથમ છે.  એમ.એસ.એમ.ઇ, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. વિકાસની સાથે સાથે ગુજરાત પ્રવાસન માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત યાત્રા-ધામો, ઉત્સવોથી બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
 ભુપેન્દ્રભાઈ  પટેલે ગુજરાતની આ અવિરત વિકાસ યાત્રા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સૌને સાથે લઇ વધુ નવી ઊંચાઇએ લઇ જવા પણ આ તકે પ્રેરણા આપી હતી.
રાજ્યના મુખ્ય સચિવ  પંકજ કુમારે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસની ગાથાને આજે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. પંકજ કુમારે રાજ્યના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, આજે ગુજરાત એ દેશમાં તમામ ક્ષેત્રે અવ્વલ સ્થાને છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉધોગોમાં પણ દેશમાં ગુજરાત સર્વોપરી છે.  રોજગારી ઉતપન્ન કરવામાં પણ ગુજરાત દેશમાં ટોચ પર છે.આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર તમામ ક્ષેત્રે ગુજરાત ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે.
ગઈકાલે નરેન્દ્રભાઇ દ્વારા ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાતમાં જે પ્રયાસો થયા તે જ મોડલ આખા ભારતવર્ષમાં અમલી કરાયા. આજે આખા વિશ્વમાં જે ડિજિટલ પેમેન્ટ થાય છે તેનું પેમેન્ટ 40% ભારતવર્ષમાં થાય છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતની આ વિકાસયાત્રા એ વહીવટી તંત્રને પણ એક નવી દિશા આપી છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રાજ્ય સ્તરીય શુભારંભના પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, સાંસદ  હસમુખ પટેલ, ધારાસભ્ય રાકેશ શાહ, એએમસીના કમિશનર લોચન સહેરા રાજ્ય સરકારના વિવિધ વિભાગાનો અધિકારીઓ, અમ્યુકોના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:04 pm IST)