Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વેલફેર સ્ટેમ્પ ટિકિટના ભાવ ડબલ કર્યાઃ કોર્ટોમાં વપરાતી ૧૦ની ટિકિટ હવે ર૦ની થશે

૧લી ઓગસ્ટની વેલફેરમાં ર૦ ની ટિકિટ લાગશેઃ બાર કાઉ.ને દર વર્ષે અઢી કરોડની આવક થશે

અમદાવાદ તા. પ :.. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેરફેર સ્ટેમ્પની ટિકીટના ભાવો ડબલ કરી દીધા છે. જેમાં તાલુકા અને જિલ્લા કોર્ટોમાં વેલ્ફેરની ટીકીટ રૂ. ૧૦ ની જગ્યાએ ર૦ ની અને ગુજરાત હાઇકોર્ટ તથા ટ્રીબ્યુનલોમાં રૂ. ર૦ ની જગ્યાએ રૂ. ૪૦ કર્યા છે.

આ વેલ્ફેર સ્ટેમ્પ ટીકીટ ૧લી ઓગસ્ટ ર૦ર૧ થી દરેક કોર્ટોમાં લગાવવામાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી મીટીંગમાં નકકી કરવામાં આવ્યુ છે. દર વર્ષે સવા કરોડની વેલ્ફેર ટીકીટો કોર્ટોમાં લગાવવામાં આવતી હતી. આ ભાવ વધારાને લીધે દર વર્ષ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને વાર્ષિક અઢી કરોડની આવક થશે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સીનીયર સભ્ય અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે ગત તા. ૧-૯-ર૦૦૩ થી વકીલોને મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં વધારો કરવામાં આવે છે.

વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફ્રી તેમજ રીન્યુઅલ ફી લેવાનું નકકી કરવામાં આવેલ. અત્યાર સુધી ગુજરાતમાં ર૪૦૦ જેટલા વકીલોને કુલ રૂ. પર કરોડ ૩૧ લાખ મૃત્યુ સહાય ચૂકવવામાં આવેલ છે.

દર વર્ષે રરપ થી રપ૦ વકીલોના વારસદારોને મૃત્યુ સહાય મેળવવાની અરજીઓ આવતી હતી. પરંતુ વર્તમાન કોવીડ-૧૯ માં વકીલોની મૃત્યુ સહાયની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. વર્ષ ર૦ર૦ ના એક જ વર્ષમાં ૩૬૮ વકીલોને મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે.

જયારે ર૦ર૧ ના જૂલાઇ માસમાં રરપ વકીલોને મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે. જેથી વેલ્ફેર સ્ટેમ્પ ટીકીટમાં વધારો કરીને તેની જાણ ગુજરાત હાઇકોર્ટને કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન હીરાભાઇ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જેમાં પરેશ જાની સહિતના સભ્યો હાજર રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.

(12:19 pm IST)