Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

શાળા સંચાલકોને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે

સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી શાળા સંચાલક મંડળની માંગણી

અમદાવાદ : રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અમલ કરવા માટે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો તેને આવકારવા સાથે શાળા સંચાલક મંડળે પોતાની વ્યથા ઠાલવી હતી. શાળા સંચાલકોને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર લેવા માટે છેક ગાંધીનગર સુધી લાંબા થવું પડતું હોવાથી સરકાર તરફથી સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરી છે. જેથી સંચાલકો ઝડપથી પ્રમાણપત્રો મેળવી વિદ્યાર્થીઓ માટે શાળામાં સુવિધા ઉભી કરી શકે

રાજ્યમાં આવેલી સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટના ચુકાદા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ સ્કૂલોને પરિપત્ર મોકલી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે આદેશ આપ્યો હતો. ઉપરાંત આ સુવિધા ઉભી કરી તે અંગેનું સરકાર પાસેથી પ્રમાણપત્ર પણ લેવાનું રહેશે તેવી સુચના અપાઈ હતી. ઉપરાંત જે સ્કૂલો પાસે પ્રમાણપત્ર છે અને એક્સપાયર થઈ ગયું છે તેમને પ્રમાણપત્ર રિન્યુ કરાવવાનું રહેશે તેમ પણ જણાવાયું હતું. ફાયર સેફ્ટીને લઈને સુચનાઓ આપવામાં આવી હોવા છતાં ઘણી સ્કૂલો પાસે હજુ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાની વિગતો સામે આવી છે. જેથી તેમને આ સુવિધા વહેલીતકે ઉભી કરવા માટે વિભાગ દ્વારા જણાવાયું છે.

બીજી બાજુ ફાયર સેફ્ટીની સુવિધાને લઈને સંચાલકોને પણ મુશ્કેલી પડતી હોવાથી સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકારનું ધ્યાન દોર્યું છે કે, ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટના વલણને અમે આવકારીએ છીએ. પરંતુ નાની સ્કૂલો હોય કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ જ હોય અને તેમની પાસે અગ્નિશામક યંત્રો હોય તો તે પુરતા ગણાય તેમ હોવાનું જણાવી તેને માન્યતા આપવા માટે રજૂઆત કરી છે. જ્યારે ફાયર સેફ્ટીના પ્રમાણપત્રને લઈને સંચાલકોને ભારે મુશ્કેલી પડતી હોવાનું પણ તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલમાં રાજ્યના તમામ શાળા સંચાલકોને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર સુધી લાંબા થવાની ફરજ પડે છે. તેના બદલે નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા કોર્પોરેશનને જ ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર આપવાની જવાબદારી સોંપવામાં આવે તો સંચાલકોને પ્રમાણપત્ર માટે ગાંધીનગર સુધી લાંબા થવામાંથી મુક્તિ મળશે અને ઝડપથી જ તેમને નજીકમાં જ પ્રમાણપત્ર મળી રહેશે. જેના પગલે શાળાઓ પણ સ્કૂલોમાં સેફ્ટીના સાધનોની સુવિધા ઝડપથી ઉભી કરી શકશે.

(12:47 am IST)