Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ગુજરાત : કોલ્ડવેવ ચેતવણી જારી, અમદાવાદમાંય ૮.૬

અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧૦થી નીચે : અમદાવાદ, ગાંધીનગર ઠંડાગાર બન્યા : ઠંડીની જનજીવન પર વ્યાપક અસર :જુદા જુદા રોગમાં ઝડપી વધારો થયો

અમદાવાદ, તા.૫ : ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની વચ્ચે ગુજરાત ઉપર અપરએર સર્કયુલેશન સર્જાતા રાજયભરમાં કોલ્ડવેવની અસર છવાઈ જવા પામી છે.રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડી જતા લોકોએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કરતા લોકો રીતસરના ઠંડીમાં ઠુઠવાઈ જવા પામ્યા છે.રાજયમાં આજે સૌથી ન્યૂનત્તમ તાપમાન પાટનગર ગાંધીનગર ખાતે ૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ જ્યારે અમદાવાદ શહેરમાં પારો ૮.૬ ડિગ્રી સેલ્સિયસ પર રહેવા પામ્યો હતો.જયારે નલિયા ખાતે પારો ૧૦.૫ ડિગ્રી સેલ્સિયસ પર રહેવા પામ્યો હતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં આગામી ૪૮ કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે.આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વહેતા શીત પવનોની સાથે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે.રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે  વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે આ ઉપરાંત રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા પામ્યુ છે આ ઉપરાંત ગુજરાત ઉપર અપરએર સાઈકલોનિક સિસ્ટમ સર્જાતા ઠંડીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોની હાલત સૌથી કફોડી જોવા મળી રહી છે.કેમકે  આ પ્રદેશોમાં સીધા ઠંડા પવનો વહેતા થઈ રહ્યા છે.આ ઉપરાંત ઈડર જેવા પર્વતીય વિસ્તારમાં પણ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.રાજયમાં આજે રાજધાની ગાંધીનગરમાં પણ લોકોએ  તીવ્ર ઠંડીનો અનુભવ કરવો પડ્યો હતો.આ ઉપરાંત અમદાવાદ જેવા શહેરમાં પણ પ્રદૂષણની વચ્ચે પણ  ઠંડા પવનોની વચ્ચે ઠંડીનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.રાજયના મોટાભાગના શહેરોમાં આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં હજુ પણ આવનારા  ૪૮ કલાક સુધી કોલ્ડવેવની અસર યથાવત રહેવાની સંભાવના છે.

ક્યા કેટલું તાપમાન.....

અનેક ભાગોમાં પારો ૧૦થી નીચે

સ્થળ........................................ તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ...................................................... ૮.૬

ડિસા............................................................. ૧૦.૬

ગાંધીનગર.......................................................... ૮

વીવીનગર.................................................... ૧૨.૮

વડોદરા........................................................ ૧૧.૪

સુરત............................................................ ૧૫.૪

વલસાડ........................................................ ૧૦.૧

અમરેલી....................................................... ૧૦.૫

ભાવનગર........................................................ ૧૩

પોરબંદર......................................................... ૧૨

રાજકોટ........................................................ ૧૨.૬

સુરેન્દ્રનગર................................................... ૧૨.૫

ભુજ.............................................................. ૧૪.૬

નલિયા......................................................... ૧૦.૫

કંડલા એરપોર્ટ................................................. ૧૪

(8:33 pm IST)