Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સુરત:શેરબજારમાં ટૂંકા ગાળામાં નફો કમાવવાની લાલચમાં 7 શખ્સોને 68.70લાખ ગુમાવવાની નોબત આવી

સુરત, : સુરતના મજૂરાગેટ આઈટીસી બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા બે ભાગીદાર મનીટ્રાન્સફરનું કામ કરતા લીંબાયતના યુવાન અને અન્ય છ વ્યક્તિને શેરબજારમાં રોકાણની સામે ટૂંકાગાળામાં જંગી નફો મેળવવાની લાલચ આપતી બે સ્કીમમાં રૂ.68.70 લાખનું રોકાણ કરાવી ઓફિસ, ઘર બંધ કરી ફરાર થઈ જતા લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત મદીના મસ્જીદની પાસે શાસ્ત્રીચોક ગલી નં.1 પ્લોટ નં.91 માં રહેતો 26 વર્ષીય સમીરશા બાબુશા ફકીર ઘર નજીક જ સીમાનાની મની ટ્રાન્સફરના નામે દુકાન ધરાવે છે. લીંબાયત ગોવિંદનગર તાજ રો હાઉસ ઘર નં.1 માં રહેતો અબ્દુલ કાદીર ગફફાર તેની દુકાને અવારનવાર આવતો હોય અને હું શેરબજારનું કામ કરું છું અને તેમાં રોકાણ કરી બહુ પૈસા કમાયો છું, મારા ઘણા ધંધા છે અને તેની ઓફિસ મજૂરાગેટ આઈટીસી બિલ્ડીંગમાં છે તેવી વાત કરતા સમીરશા ગત ઓગષ્ટ 2021 માં મિત્ર સાથે તેની ઓફિસે ગયો હતો. ત્યાં હાજર એક મહિલાની ઓળખ અબ્દુલ કાદીરે પોતાની પત્ની મુસ્કાન તરીકે આપી તે પણ શેરબજારનું કામ કરે છે તેવું કહ્યું હતું. જયારે એક પુરુષની ઓળખ પોતાના ભાગીદાર મોહમદ સુફીયાન જુનેદ નબીવાલા ( ઉ.વ.23, રહે.ફ્લેટ નં.જી/501, અલનુર રેસીડેન્સી, કોઝવે રોડ, રાંદેર, સુરત. મુળ રહે. ધોરાજી, જી.રાજકોટ ) તરીકે આપી હતી. અબ્દુલ કાદીર અને મોહમદ સુફીયાને તે સમયે સમીરશાને શેરબજારમાં રોકાણની વિવિધ સ્કીમ સમજાવી હતી.ત્યાર બાદ અબ્દુલ કાદીરે સમીરશાને પોતાના ઘરે બોલાવી રૂ.10 લાખના રોકાણ પર મહિને રૂ.5700 કે તેથી વધુની સ્કીમ સમજાવતા સમીરશાએ રૂ.10 લાખ અને બાદમાં રૂ.11.40 લાખ રોક્યા હતા. તેની સામે ઓક્ટોબર મહિનાના અંતમાં અબ્દુલ કાદીરે તેને રોકડા રૂ.5700 આપતા સમીરશાને તેના પર વિશ્વાસ બેઠો હતો. ત્યાર બાદ અબ્દુલ કાદીરે રૂ.14 લાખ ભરે તો દર 15 દિવસે રૂ.3 લાખનો નફો મળે તેવી સ્કીમની વાત કરતા સમીરશાએ મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા લઈ રૂ.14 લાખ આપતા અબ્દુલ કાદીરે તેના નફાના રૂ.45 હજાર નવેમ્બર મહિનામાં આપ્યા હતા. આમ તેણે કુલ રૂ.26.40 લાખનું રોકાણ કર્યું હતું.

(5:53 pm IST)