Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે જનજાગૃતિના કાર્યક્રમ યોજાયા

- SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયા: BeatPlasticPollution થીમ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને L&T ના સંયુક્ત ઉપક્રમે આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી થનાર છે,ત્યારે પ્રવાસીઓની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિ ફેલાવવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને L&Tના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાળવણી બાબતે જનજાગૃતિ ફેલાવવા માટે પ્રવાસીઓને સાંકળી લઈને અનેક કાર્યક્રમો યોજાયા હતા.
પર્યાવરણ દિવસ -2023ની ખાસ થીમ #BeatPlasticPollution છે તે અંતર્ગત અત્રે આવનાર પ્રવાસીઓમાં જનજાગૃતિ ફેલાય તે માટે ખાસ નકામા પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરીને પ્રદુષણ અટકાવવા માટે ખાસ પ્લાસ્ટિકની નકામી બોટલમાં છોડ ઉગાડી તેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લખાણ કરવામાં આવ્યું હતું જે પ્રવાસીઓએ જોઈને એક સારો પ્રયોગ હોવાનો પ્રતિસાદ આપ્યો હતો.આ એક નવીનતમ પ્રયોગ હતો કે જેથી પ્લાસ્ટિકના પુનઃ ઉપયોગ થકી પ્રદુષણ ઓછું કરવાના ફાયદા વિશે પણ પ્રવાસીઓને માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે આ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળ પ્રવાસીઓએ ભાગ લઈને પ્રદુષણ અટકાવવા માટેના પોતાના વિચારો કાગળ પર ઉતાર્યા હતા.બાળ પ્રવાસીઓના શ્રેષ્ઠતમ ચિત્રોને ઇનામ આપીને નવાજવામાં પણ આવનાર છે.
આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વધુ વનરાજી કરવા સારૂ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાય તે માટે આખો દિવસ આવનાર પ્રત્યેક પ્રવાસીઓને ખાસ થીમ બેઝડ ટેગીંગ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ,અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર અભિષેક સિન્હા, કાર્યપાલક ઈજનેર સર્વ રાકેશ રાવલ અને વિજય ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

(9:56 pm IST)