Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું વિરમગામ કેન્દ્રના ૮૪.૦૯ ટકા સહિત અમદાવાદ ગ્રામ્ય જીલ્લાનું ૮૧.૯૨ ટકા પરિણામ

શ્રી માધ્યમિક શાળા વિરમગામની વિદ્યાર્થીની તિથી પરીખે ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો, આઇપીએસ સ્કુલ અને નવયુગ વિદ્યાલયનું ૧૦૦ ટકા પરીણામ : પરીક્ષામાં ઉતિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થયુ હતુ. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું વિરમગામ કેન્દ્રનું ૮૪.૦૯ ટકા પરીણામ આવ્યુ છે. માંડલ ૮૨.૪૫ ટકા, દેત્રોજ ૭૮.૬૦ ટકા, સાણંદ ૭૬.૧૨ ટકા પરીણામ આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્યનું ૮૧.૯૨ ટકા અને અમદાવાદ શહેરનું ૭૯.૮૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં ૧૦૧ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તથા અમદાવાદ શહેરમાં ૧૦૬ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામની શ્રી માધ્યમિક શાળા (દિવ્ય જ્યોત)ની વિદ્યાર્થીની તિથી ડોડસલકુમાર પરીખે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૦૦માંથી ૬૬૯ ગુણ સાથે ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક મેળવીને વિરમગામ સહિત અમદાવાદ જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે. વિરમગામ શહેરમાં આવેલા આઇ.પી.એસ સ્કુલ અને નવયુગ વિદ્યાલયે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦૦ ટકા પરીણામની સિદ્ધી હાંસલ કરી છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું  કે બી શાહ વિનય મંદિરનું ૮૫.૪૭ અને શ્રી માધ્યમિક શાળાનું ૮૧ ટકા પરીણામ આવ્યુ છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ઉતિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા, પરીવારજનો, મિત્રો સહિતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

(6:10 pm IST)