Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ખોટી ભ્રામક જાહેરાત કરનારને બે વર્ષ સુધીની કેદની સજા અને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે

ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરનાર ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો સામે ગ્રાહકોને રક્ષણ આપવા હવે રાજ્ય સરકાર કટિબધ્ધ

ગાંધીનગર: ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરનાર ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો સામે ગ્રાહકોને રક્ષણ આપવા હવે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ખોટી ભ્રામક જાહેરાત કરનારને બે વર્ષ સુધીની કેદની સજા અને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ ની જોગવાઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોનું નિયમન કરવાનો છે. આ માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ ની સ્થાપના નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 હેઠળ રાજ્યસ્તરે, દરેક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સાથે જોડાયેલું એક ગ્રાહક મધ્યસ્થી (મિડિયેશન) સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

ગ્રાહક મધ્યસ્થી સેન્ટર દ્વારા ગ્રાહક તથા જેની સામે ફરિયાદ કરવામાં આવેલ હોય તે પ્રતિવાદીને સાથે રાખી કુદરતી ન્યાયના સિદ્વાંત દ્વારા ન્યાય અપાવી મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સંબંધિત જિલ્લા આયોગ, રાજ્ય આયોગ અથવા રાષ્ટ્રીય આયોગ સમાધાન અહેવાલ પ્રાપ્ત થયાના સાત દિવસની અંદર, ગ્રાહક વિવાદના આવા સમાધાનની નોંધણી અંગે યોગ્ય હુકમ કરશે અને તે મુજબ તે બાબતોનો સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા નિકાલ કરવામાં આવશે.

ઉત્પાદક જવાબદારી: ખામીયુક્ત ઉત્પાદનના કારણે ફરિયાદીને થયેલા કોઇપણ નુકસાન/હાનિ માટે ઉત્પાદન નિર્માતા અથવા ઉત્પાદન વિક્રેતા સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019માં કરેલી જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગેની સજા

કોઇપણ ઉત્પાદક અથવા સેવા પ્રદાતા કે જે ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાત કરે છે તેને બે વર્ષ સુધીની કેદની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. ત્યારબાદના દરેક ગુના માટે તેને પાંચ વર્ષ સુધીની કેદની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

છેતરાયેલો ગ્રાહક પાંચ લાખ સુધીની ફરિયાદ વિનામૂલ્ય કરી શકશે

ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 2019માં ગ્રાહકોના હિતોના રક્ષણો માટેની રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગ્રાહક કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી ભોગ બન્યા બાદ વળતર મેળવવા હકદાર છે. ગ્રાહક જે જિલ્લામાં નિવાસ કે નોકરી કરતો હોય ત્યાં પોતાની ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરી શકે છે. જેમા પાંચ લાખ સુધીની દાવા ફરિયાદ વિના મૂલ્યે નોંધાવી શકે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની રચના કરવામા આવી છે.

(5:30 pm IST)