Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ઠાસરા તાલુકામાં એસ.ટી.ડેપોના પ્રવેશ માર્ગ પર ખુલ્લી ગટરનું ઢાંકણું લોકો માટે માથાનો દુખાવો બન્યું

નડિયાદ : ઠાસરા મથકના એસ.ટી. ડેપોમાં પ્રવેશવાના માર્ગ પર ગટર પર મુકવામાં આવેલ પીપ અને ઝાડી આવતા જતા વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન બન્યું છે. ચોવીસ કલાક નાના મોટા વાહનોથી ધમધમતા આ રસ્તા પર મોટા વાહનોને યુ ટર્ન લેવામાં ઘણી તકલીફો પડી રહી છે, ઉપરાંત વાહનચાલકોને આ ગટરનું ઢાંકણું બંધબેસ્તુ ન હોવાથી મોટો અકસ્માત સર્જાવાની ભીતી સતાવી રહી છે.

ઠાસરા નગરમાં બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરવા માટેની ચાર રસ્તાની ચોકડી પાસેથી અમદાવાદ-દિલ્હી રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે.આ ધોરી માર્ગ રાજધાની જતો હોવાથી ચોવીસ કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે.વળી આ જ રસ્તેથી ઠાસરા બસ મથકમાં દિવસની મોટી સંખ્યામાં બસો આવ-જા કરતી હોય છે. આ બસ મથકમાંથી બહાર નીકળવાના જાહેર રસ્તા પર આવેલી ગટરનું ઢાંકણું ઘણા સમય પહેલા તૂટી ગયું હતું. આથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેના પર લોખંડની જાળી મૂકવામાં આવી હતી. પરંતુ આ લોખંડની જાળી ગટરના ખાડા પ્રમાણે બંધ બેસતી આવતી ન હતી. આથી છેલ્લાં કેટલાય સમયથી આ જાળી પર એક લોખંડનું પીપ મૂકવામાં આવ્યું છે, અને ઝાડીઝાંખરુ મૂકવામાં આવ્યું છે  કે કોઇ વાહનચાલક આ જાળી પરથી પસાર ન થઇ શકે. અત્યારે યાત્રાધામ ડાકોર ખાતે ડાકોર ચોકડીથી ઠાસરા તરફ અને કપડવંજ તરફ ઓવરબ્રીજ બની રહ્યો છે. આ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા ઘણી વકરી હતી. જેન ેકારણે ઘણાં સમયથી આ ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. આથી ડાકોરથી કપડવંજ,મોડાસા,રતનપુર, ઉંદેપુર,અંબાજી, હિંમતનગર તરફની એસ.ટી.બસો કપડવંજ,મહુધા, ડાકોરથી ઠાસરા થઇ ઔરંગપુરા,એકલવેલુ, થઇને કપડવંજ તરફ જતી તમામ એસ.ટી.બસોને ઠાસરાના એસ.ટી.બસ મથક બહારની ચોકડી પરથી પસાર થવું પડે છે. આ સમયે એસ.ટી.બસને વાળવા માટે પેલા પીપને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત અહીંથી પસાર થતા વાહનચાલકોને ગટરના ખાડામાં પરફેક્ટ જાળી બેઠેલી ન હોવાથી અકસ્માતનો ભય સતાવ્યા કરે છે. સત્વરે કોઇ મોટી દુર્ઘટના  સર્જાય તે પહેલા આ ગટરને ફીટ રહે તેવી જાળી નાંખવા લોકમાંગ પ્રબળ બની છે. 

(5:28 pm IST)