Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રાજ્યમાં જામનગર, રાજકોટ જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્કિન ડિસીસનો રોગ જોવા મળ્યો: પશુપાલન વિભાગે લમ્પી સ્કિન ડિસીસ થયેલા પશુઓને બીજા પશુઓથી દૂર રાખવાની સલાહ આપી

સરકાર તરફથી લમ્પી સ્કિન ડિસીસને લઈને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી

અમદાવાદ: આજકાલ લમ્પી સ્કિન ડિસીસ રોગ પશુઓમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં જામનગર, રાજકોટ જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્કિન ડિસીસનો રોગ જોવા મળ્યો છે, જે ચેપી રોગ છે. આ રોગ બીજા પશુઓમાં ન થાય તે માટે પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. વિભાગે લમ્પી સ્કિન ડિસીસ થયેલા પશુઓને બીજા પશુઓથી દૂર રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત રોગને કાબૂમાં લેવા પશુઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે, અમદાવાદ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીસનો એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં પશુપાલન વિભાગ સતર્ક છે. સરકાર તરફથી લમ્પી સ્કિન ડિસીસને લઈને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ રોગને લઈને પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. ખાસ કરીને જામનગર અને રાજકોટમાં આ રોગ જોવા મળ્યો છે.

અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉક્ટર સુકેતુ ઉપાધ્યાયે  જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા લમ્પી વાયરસનો એક પણ કેસ નથી. છતાં અમારી ટીમ સતર્ક છે.

લમ્પી એ ચામડીની એક બીમારી છે, જે મચ્છર કરડવાથી થાય છે. આ એક ચેપી રોગ છે. લમ્પી સ્કિન ડિસીસ ફક્ત પ્રાણીઓમાં જ થાય છે. ખાસ કરીને આ રોગ ગય અને ભેંસમાં વધારે જોવા મળે છે.

લમ્પી સ્કિન ડિસીસના લક્ષણો

– પશુઓને તાવ આવવો

– ચામડી પર ગાંઠો જોવા મળે

– દૂધ આપવાનું ઘટી જાય

પશુપાલકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

લમ્પી સ્કિન ડિસીસના લક્ષણો કોઈ પશુઓમાં જોવા મળે તો તેને અન્ય પશુઓથી અલગ રાખવા જોઈએ. બીજા પશુઓના સંપર્ક ન આવે તેની વિશેષ કાળજી પશુપાલકોએ રાખવી જોઈએ. જો પશુઓને તાવ આવે, ચામડી પર ગાંઠો થાય તો નજીકના પશુ દવાખાનામાં જાણ કરવી જોઈએ. પશુમાં લક્ષણો દેખાય તો ડૉક્ટરે સેમ્પલ લઈને લેબમાં મોકલવા જોઈએ. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તે પશુને અન્ય પશુઓથી અલગ રાખવું જોઈએ.

સૌરાષ્ટ્રમાં ફેલાયો રોગ

હાલ સૌરાષ્ટ્રમાં ફેલાયેલા લમ્પી ડિસીસને કાબૂમાં લેવા માટે પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. લમ્પી વાયરસને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે, તેમજ તેનું પાલન કરવાની સૂચના પણ આપી છે. જ્યાં પણ લમ્પી વાયરસ દેખાશે તેના પાંચ કિલોમીટરમાં વેક્સીનેશન કરવામાં આવશે. જોકે, હાલ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીસ માટે ટેસ્ટિંગની વ્યવસ્થા નહી. આ માટે જે તે પશુઓના સેમ્પલ લઈને તેને ભોપાલ મોકલવામાં આવે છે.

(5:28 pm IST)