Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમદાવાદમાં સાસરે આવીને સગીર સાળીની એકલતાનો લાભ લઇને બનેવી વારંવાર દુષ્‍કર્મ આચરતોઃ અંતે ધરપકડ

મોટી બહેનને વાત કરતા સમગ્ર મામલાનો પર્દાફાશઃ સરખેજ પોલીસ દ્વારા દુષ્‍કર્મ અને પોક્‍સો હેઠળ કાર્યવાહી

અમદાવાદઃ અમદાવાદમાં સરખેજ વિસ્‍તારમાં બનેવી 17 વર્ષીય સાળી પર અવારનવાર મજબુરીનો લાભ ઉઠાવી દુષ્‍કર્મ આચરતો હતો. મોટી બહેનને વાત કરતા બનેવી વિરૂદ્ધ દુષ્‍કર્મ અને પોક્‍સો કલમ હેઠળ ગુન્‍હો નોંધી આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનેવીના હવસનો શિકાર સગીર સાળી બની છે. છેલ્લા પંદર દિવસથી નરાધમ બનેવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે સગીરાએ તમામ હકીકત પોતાની મોટી બહેનને જણાવતા બનેવી વિરુદ્ધ બળાત્કાર પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સરખેજ પોલીસે બળાત્કારી બનેવી ની ધરપકડ કરી છે. સાથે જ બન્ને ના મેડિકલ તપાસ માટે ની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથકમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બનેવીએ પોતાની સગીર સાળીને હવસનો શિકાર બનાવી છે. છેલ્લા 15 દિવસથી આરોપી સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો. આ અંગે કોઈને ફરિયાદ ન કરવા ધમકી આપતો હતો. જોકે સગીરાએ મોટી બહેનને હકિકતથી વાકેફ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી બનેવીની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, ફરિયાદી અને ભોગ બનનાર કુલ ચાર બહેનો છે. જેમાંથી સૌથી નાની બહેન કે જેની ઉંમર 17 વર્ષ અને 10 મહિના છે તે સગીરાને તેની મોટી બહેનના પતિએ એકલતાનો લાભ લઈ તેની સાથે પોતાની હવસ સંતોષી હતી. અને આવું અવારનવાર થતા મામલો પરિવાર સમક્ષ આવ્યો હતો. આખરે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડીકલ પરિક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી છૂટક મજૂરી કરતો અને જ્યારે તે પોતાની સાસરીમાં આવ્યો ત્યારે સગીર સાળીની એકલતાનો લાભ લઈ પહેલી વખત બળાત્કાર ગુજાર્યો. બાદમા 15 દિવસના સમયમા અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની કબુલાત કરી છે. જેથી પોલીસે બળાત્કારી બનેવી વિરુદ્ધ પુરાવા એકઠા કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:49 pm IST)