Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ડીસાના ગેનાજી ગોળીયા ગામે શૌચાલયો માત્ર કાગળ પરઃ કૌભાંડ બહાર આવતા જિલ્લા વિકાસ અધિકારીની ટીમ દ્વારા તપાસ

જાગૃત નાગરીક દ્વારા ગામમાં શૌચાલયોમાં કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ બ્‍)દ રજુઆત

ડીસાઃ કેન્‍દ્ર સરકાર દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત મિશન' યોજના અંતર્ગત શૌચાલય બનાવવાની કામગીરી બનાસકાંઠાના ડીસા પંથકના ગેનાજી ગોળીયા ગામે માત્ર કાગળ પર કરીને કૌભાંડ આચરતા એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરતા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત બાદ સમગ્ર તપાસ માટે અધિકારીઓની ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી.

જિલ્લામાં વધુ એક શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠાના ડીસાના ગેનાજી ગોળીયા ગામે કાગળ પર બનેલા શૌચાલયો ખરેખર અસ્તિત્વમાં ન હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશો અપાયા હતા. જો કે તે બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગામમાં બનેલા શૌચાલયોનું જાત નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ઘરે શૌચાલય બનાવવાની યોજનાઓ ઘડીને લાભાર્થીઓને શૌચાલય બનાવવા સહાય અપાઈ રહી છે. પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક શૌચાલય કૌભાંડો સામે આવી રહ્યા છે. જિલ્લામાં અનેક શૌચાલયો કૌભાંડો બહાર આવ્યા બાદ વધુ એક શૌચાલય કૌભાંડ ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે સામે આવ્યું છે. ગેનાજી ગોળીયા ગામના એક જાગૃત નાગરીક દ્વારા ગામમાં બની રહેલા શૌચાલયોમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા. જો કે પ્રાથમિક તપાસમાં જ કૌભાંડ હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસ તેજ કરતાં ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને સખી મંડળના કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ પ્રસર્યો છે. બીજી તરફ પ્રાથમિક તપાસને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી પોતે પોતાની ટીમ સાથે ગેનાજી ગોળીયા ગામે પહોંચ્યા અને કેટલાંક લાભાર્થીઓના ઘરે પહોંચી જાત નિરીક્ષણ પણ કર્યું.

શૌચાલય માટે ફોર્મ ભર્યું હતું પરંતુ હજુ પૈસા મળ્યા નથી લાભાર્થીમાં મારૂ નામ આવી ગયું છૅ. છતાં પૈસા મળ્યા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા ગામમાં પહોચી તપાસ કરાતાં અનેક શૌચાલયોમાં ગેરરીતિઓ બહાર આવી કેટલાંક એક જ પરિવારો વચ્ચે બે ત્રણ શૌચાલયો બની ગયા તો કેટલાંક શૌચાલયો ફક્ત કાગળ પર જ બન્યા. બીજી તરફ કેટલાક જુના શૌચાલયોને પણ નવા શૌચાલયો બતાવીને સરકારના સહાયના પૈસા ચાઉં કરી જવાનો તખતો સામે આવ્યો.

મહત્ત્વની વાત એ છે કે ગેનાજી ગોળીયા ગામમાં ૧૩૮ લાભાર્થીઓને શૌચાલય બનાવવાની સહાય અપાઇ છે. જેમાંથી મોટાભાગના લાભાર્થીઓએ જાતે શૌચાલય બનાવતા તેમના શૌચાલયો ગાયત્રી સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યાં હતા, પરંતુ તેમાંથી મોટાભાગના શૌચાલયોમાં કાગળ ઉપર બન્યા છે તો કેટલાક પરિવારોમા એકની જગ્યાએ બે-ત્રણ લાભાર્થીઓને લાભ મળ્યા છે તો ક્યાંક મૃતકોના નામે શોચલાય બન્યા છે જેવી અનેક ગેરરીતિ સામે આવતા જિલ્લા વિકાસ અધિકારીએ જાત નિરીક્ષણ કરી તપાસ ટીમની રચના કરી છે.

મહત્વની વાત છૅ કે કેન્દ્ર સરકારે જાહેરમાં શૌચાલયની પ્રવૃત્તિ અટકાવવા માટે દરેક રાજ્યોને સો ટકા ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગુજરાત સરકારને પણ કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. કરોડો રૂપિયા આવ્યા પરંતુ હજારો ગામડાંઓમાં કાગળ પર જ શૌચાલય બતાવીને રૂપિયા ચાઉં કરી જવાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. સરકાર દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂ. 12 હજાર જેવી માતબર રકમ આપવામાં આવે છે. પરંતુ અહીં તો માત્ર સખી મંડળ 5 હજાર અને 7 હજાર રૂપિયા આપી મોટો કૌભાંડ આચરાવમાં આવ્યું છે. ત્યારે અત્યારે તો જિલ્લા વિકાસ અધિકારીએ જાત નિરીક્ષણ કરી તપાસ ટીમની રચના કરી છૅ પરંતુ આગામી 20 જૂન સુધીમાં સમગ્ર તપાસ પૂર્ણ કરવાની પણ બાંહેધરી આપતાં સમગ્ર ગ્રામ પંચાયત સહિત અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છૅ.

(4:45 pm IST)