Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા પરિણામ

સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું ૯૫.૪૧% રાજ્‍યમાં સૌથી ઓછું પરિણામ મેળતવો વડોદરા જિલ્લો ૭૬.૪૯% : ૧૦૦% પરિણામ મેળવતી ગુજરાતની ૧૦૬૪ શાળાઓ : વિદ્યાર્થીઓનું ૮૪.૬૭ અને વિદ્યાર્થીઓનું ૮૯.૨૩% પરિણામ

રાજકોટ તા. ૪ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષાનું લાંબા ઇન્‍તજાર બાદ આજે સવારે ૮ કલાકે પરિણામ જાહેર થયું છે. ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ ૮૬.૯૧ ટકા શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે. ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહના પરિણામની સફળતાની ઉજવણી શાળાઓમાં થઇ રહી છે.
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે તેમાં સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું ૯૫.૪૧ ટકા અને સૌથી ઓછું પરિણામ મેળવતો જિલ્લો વડોદરા છે. વડોદરા જિલ્લાનું પરિણામ ૭૬.૪૯ ટકા આવ્‍યું છે. સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્‍યા એક છે. જ્‍યારે ૧૦૦ ટકા પરિણામ મેળવતી ગુજરાતની ૧૦૬૪ શાળા છે.
મોટાભાગની પરિક્ષામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉચ્‍ચ આવતું હોય છે. આજે જાહેર ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૮૪.૬૭ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૯.૨૩ ટકા આવ્‍યું છે.
માર્ચ-૨૦૨૨ની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. માર્ચ ૨૦૨૨ ની સામાન્‍ય પ્રવાહની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજયના ૪૮૮ કેન્‍દ્રો ઉપર લેવામાં આવેલ હતી.
આ પરીક્ષામાં ૩,૩૭,૫૪૦ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૩,૩૫,૧૪૫ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૨,૯૧,૨૮૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૮૬.૯૧% ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૩૨,૧૪૩ ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી ૩૦,૦૧૪ ઉપસ્‍થિત રહ્યા હતા તે પૈકી ૧૩,૬૪૧ ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૪૫.૪૫% ટકા આવેલ છે. આ પરીક્ષામાં ૨૨,૧૬૧ ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૨૦,૧૮૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૯,૮૭૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ ૪૮.૯૨% ટકા આવેલ છે. અને અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૨૪,૫૬૭ ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી ૨૨,૮૫૧ ઉપસ્‍થિત રહ્યા હતા તે પૈકી ૧૦,૭૦૦ ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવતિત ઉમેદવારોનું પરિણામ ૪૬.૮૩% ટકા આવેલ છે.
પરિણામોની વિષયવાર અને જિલ્લાવાર ટકાવારી સહિતની વિવિધ આંકડાકીય માહિતી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીના નવા ક્ષેત્રમાં પ્રવેશ માટે લાભદાયી બનશે. એટલું જ નહિ, સંશોધનકારોને પણ રાજયની શિક્ષણક્ષેત્રે થયેલ પ્રગતિનું મુલ્‍યાંકન કરવા ઉપયોગી બનશે.
ચાલુ વર્ષે પણ ગુજરાત રાજયમાં આવેલ જુદી જુદી જેલોમાં રહેલા બંદીવાનોની પરીક્ષા જેલની અંદર પરીક્ષા કેન્‍દ્રની વ્‍યવસ્‍થા કરી બંદીવાનોને તેમનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવાની તક આપવાનો પ્રયાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. કુલ ૫૦ બંદીવાનો એ પરીક્ષા આપેલ જેમાંથી ૨૯ ઉમેદવાર ઉત્તીર્ણ થયેલ છે.
સમગ્ર રાજયમાં પરીક્ષાલક્ષી કામગીરીમાં બ્‍લોક સ્‍તર સુધી પરીક્ષા સાહિત્‍યનું ચીવટપૂર્વક વિતરણ કરવું, પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવી, આધુનિક ટેકનોલોજીનો દુરૂપયોગ ન થાય તેનું ધ્‍યાન રાખવું તથા પુરતી સંખ્‍યામાં માનવ સંશાધનની વ્‍યવસ્‍થા ગોઠવવી ખુબ જ જટિલ અને અવિરત પરિશ્રમ માંગે છે. શિક્ષકોએ ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરી તથા મ.મુ. કેન્‍દ્ર પરના સ્‍ટાફ અને બોર્ડના અધિકારીશ્રીઓ, કર્મચારીઓના અથાગ પ્રયત્‍નને કારણે પરિણામ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે.

 

(10:14 am IST)