Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સુરતના રિંગરોડ નજીક માર્કેટમાં દુકાન ધરાવતા વૃદ્ધ વેપારીનું પેમેન્ટ ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર અમદાવાદના વેપારીની ધરપકડ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત શ્રી મહાલક્ષ્મી માર્કેટમાં દુકાન ધરાવતા ઘોડદોડ રોડના વૃદ્ધ વેપારી પાસેથી રૂ.37.98 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરી ઓછો અને ખરાબ માલ પરત કરી બાકી રૂ.13.92 લાખ ચુકવવાને બદલે હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરી તો ગુંડાઓ મોકલી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપનાર અમદાવાદના વેપારીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ શશાંક એપાર્ટમેન્ટમાં રહેતા 63 વર્ષીય રમેશકુમાર ચાનનદાસ નંદવાની રીંગરોડ શ્રી મહાલક્ષ્મી ટેક્ષટાઈલ માકેટમાં મોહિન્દર એન્ટરપ્રાઈઝ અને રેશમા ક્રિએશનના નામે કાપડનો વેપાર કરે છે. ગત 23 જાન્યુઆરી 2016 થી એપ્રિલ 2018 દરમિયાન અમદાવાદ વાણીજ્ય ભવનની પાછળ સુમેલ બિઝનેશ પાર્કમાં પાર્થ એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા અંકિત સેવંતીલાલ શાહે કુલ રૂ.37,98,987 ની કિંમતનું કાપડ ખરીદ્યું હતું. જોકે, નિર્ધારીત સમયમર્યાદામાં અંકિત શાહે પેમેન્ટ નહીં કરતા રમેશકુમારે ઉઘરાણી કરી તો અંકિતે પેમેન્ટ બદલામાં ઓછો તેમજ ખરાબ માલ પરત મોકલી આપી રૂ.13,92,376 નું પેમેન્ટ બાકી રાખ્યું હતું. આ બાકી પેમેન્ટ માટે જયારે રમેશકુમારે ઉઘરાણી કરી ત્યારે અંકિતે ગાળાગાળી કરી ધમકી આપી હતી કે હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરી તો ગુંડાઓ મોકલી જાનથી મારી નાંખીશ. આ અંગે રમેશકુમારે કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે અઠવાડિયા અગાઉ અંકિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગતરાત્રે અંકિત સેવંતીલાલ શાહ ( ઉ.વ.41, રહે. ફલેટ નં.5, ત્રીજા માળે, એમ.પી.ફલેટ, સુવિધા શોપીંગ સેન્ટર પાસે, જૈનનગર, પાલડી, અમદાવાદ ) ની ધરપકડ કરી હતી.

(5:36 pm IST)