Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગાંધીનગરના સે-25માં આવેલ જીઆઈડીસીમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિક લોકોની હાલત કફોડી બની

ગાંધીનગર:શહેરના સેક્ટર-૨૫માં આવેલી જીઆઇડીસીની વસાહતમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઇ રહી છે. જેના પગલે આ વિસ્તારમાં સતત દુર્ગંધયુક્ત પાણી વહેતુ હોવાના કારણે સ્થાનિક રહિશોની હાલત કફોડી બની જવા પામી છે. જે અંગે વસાહત મંડળ દ્વારા અવાર નવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. સત્વરે ગટર લાઇનની સાફ સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.

રાજ્યના પાટનગરમાં વર્ષો જુની ગટરલાઇનો તંત્ર દ્વારા સમયાંતરે બદલવામાં નહીં આવતાં હાલમાં ઘણા વિસ્તારોમાં લીકેજ થવાના કારણે ગંદા પાણી ઉભરાવાની સમસ્યા પણ સર્જાઇ રહી છે. તો બીજી તરફ ગટર લાઇનોની સાફ સફાઇ નહીં કરાતાં ચોકઅપ થઇ જવાના કારણે ઘણી જગ્યાએ ઘર આંગણે આવેલી ચોકડીમાં તેમજ ઘરની અંદર ગંદા પાણી બેક મારતાં હોય છે. સેક્ટર-૨૫માં આવેલી જીઆઇડીસી વસાહતમાં તંત્ર દ્વારા નિયમીત ગટરલાઇનોની સફાઇ નહીં કરાતાં હાલમાં ઠેકઠેકાણે દુર્ગંધયુક્ત પાણી ઉભરાઇ રહ્યાં છે. જે અંગે સ્થાનિક રહિશો દ્વારા અવાર નવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જેના પગલે સ્થાનિકોની સ્થિતિ નર્કાગાર બની ગઇ છે. ત્યારે વસાહત મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે કેહાલમાં ગંદુ પાણી ઉભરાતું હોવાના કારણે બિમારીઓના ઘર ઉભા થયાં છે. સત્વરે ઉભરાતી ગટરો અંગે કોઇ જ કામગીરી નહીં કરાય તો આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે જેથી સત્વરે આ વિસ્તારમાં આવેલી ગટર લાઇનની સાફ સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(5:35 pm IST)