Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

વીજ કરંટ લાગતા ખેતર માલીકની પુત્રવધુ અને બે પૌત્રોના મોત

ખેતરમાં પશુઓથી પાકને બચાવવા મૂકેલું ઝટકા મશીન બન્યું મોતનું મશીન

બનાસકાંઠા, તા. ૩ : બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે કુદરતનું કાળચક્ર ફરી વળ્યું હતું. પાલનપુરના ગઠામણ ખાતે ઝટકા મશીનથી ખેતર માલિકની પુત્રવધૂ અને બે બાળકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પાલનપુર તાલુકાના ગઠામણ ગામ પાસે ખુશાલભાઈ જગાણીયાના ખેતર ખાતે તેમની પુત્રવધૂ કોકીલાબેન અને બે બાળકો જૈમીન અને વેદુનું વીજ કરંટ લાગવાથી નિધન થયું છે. ત્રણેય લોકો ખેતરમાં ફરી રહ્યા હતા તે દરમિયાન ખેતરના શેઢે મૂકેલા પાકને પશુઓથી બચાવવા ઝટકા મશીનના સંપર્કમાં આવી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં ખુશાલભાઈ હીરાભાઈ જગાણીયા ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. તેમણે પોતાના ખેતરમાં ભૂંડ સહિતના પશુઓ ને પ્રવેશે અને પાકને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એક ઝટકા મશીન લગાવ્યું હતું. આ ઝટકા મશીનના સંપર્કમાં તેમના પુત્રવધૂ અને બે બાળકો આવી ગયા હતા. તમામનાં મોત થયાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

(4:11 pm IST)