Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

બાળકોને ગુણવતાયુકત શિક્ષણ મળે તે સૌની સામાજિક જવાબદારી અને ફરજ

શિક્ષણ દિન સજ્જ થવાનો સંકલ્પ કરવા શિક્ષણમંત્રીનું આહ્વાન

રાજકોટ : ૨૯ જુલાઈ ૨૦૨૦ નાં રોજ જાહેર થયેલ નવી શિક્ષણ નીતિ સાડા ત્રણ દાયકા પછી ખૂબ વિચાર વિમર્શ, મંથન પછી જાહેર થઈ છે. જેમાં પાયાનાં શિક્ષણ તરીકે પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને બાળક ધોરણ-૧ માં આવે તે પહેલાં પ્રિ-પ્રાયમરીનાં ૩ વર્ષ કરીને આવે જેમાં શિક્ષણ સાથે શિસ્ત અને સંસ્કારનો પાયો નાંખવામાં આવે. જેથી શરૂઆતથી જ મજબૂત ગુણવત્તાયુકત શિક્ષણ, શિસ્ત, સંસ્કારનાં વાતાવરણ સાથે આગળ વધે અને આગળ કક્ષા પ્રમાણે અધ્યયન નિષ્પત્ત્િ।ઓ પ્રાપ્ત કરી શકે.

આ હેતુ સિધ્ધ કરવા માટે શિક્ષકને તાલીમ દ્વારા સજ્જ કરવો જરૂરી છે. ઉપરાંત ઝડપથી આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વનાં બધા ક્ષેત્રો બદલાઈ રહ્યા છે તેની સાથે કદમ મિલાવી શકે તે પણ જરૂરી છે.

માટે એકની એક પદ્ઘતિ અને થીમ પણ નહીં ચાલે તેમાં પણ બદલાવ જરૂરી માનીને વિચારણા શરૂ કરી. Quality Education નું ખૂબ જ મહત્વ છે. મતલબ કે કક્ષા પ્રમાણે અધ્યયન નિષ્પત્ત્િ।ઓ પ્રાપ્ત કરવી જોઈએ. જેની આજે જરૂરીયાત છે. માટે જ ચિંતા અને ચિંતન બંને કરવામાં આવે છે.

કોઈપણ ક્ષેત્રમાં બધાનું સ્તર સરખું નથી હોતું તો પછી બધાને અનુરૂપ અને અનુકૂળ પધ્ધતિ અને થીમ એક સરખું રાખવાનો ઉપાય શું? વિચારણાને અંતે વિભાગ દ્વારા બે વર્ષે અગાઉ બધા જ શિક્ષકોની જે તે વિષયની જ પરીક્ષા લેવાનું નકકી થયું. હું વિવાદ નહીં પણ સંવાદમાં માનું છું અને વિવાદ વગર જ નિર્ણય લેવાય તે હેતુથી બંને સંઘોનાં પ્રતિનિધિઓને બોલાવી ફરજીયાત નહીં, મરજીયાત પરીક્ષા પણ નહીં, પરંતુ સર્વેક્ષણ કરવાનું સર્વાનુમતે નક્કી થયું. ત્યારબાદ શું થયું તે ગુજરાતની જનતા જાણે છે.

ઘણાએ આ સવેક્ષણનો ફીયાસ્કો થયો, સરકાર કસોટીમાં નાપાસ થઈ, સરકારી કાર્યક્રમ નિષ્ફળ ગયો કહીને મૂલ્યાંકન કરવામાં આવ્યું. ખરેખર શિક્ષણ અને વિદ્યાર્થીનાં હિતને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન જેમણે કર્યું છે. તેઓ કહે છે કે સર્વેક્ષણમાં મરજિયાત ધોરણે પણ ૩૮% શિક્ષકો હાજર રહ્યા તે સફળતા જ કહેવાય. દેશમાં કોઈ રાજયે આવી શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવાની હિમત કરી નથી. બાકીના મિત્રો નથી જોડાયા તે પીડાદાયક અને દુઃખદાયક છે. સ્વમુલ્યાંકન કરી પોતાની જાતને તૈયાર નહીં કરે તો વિદ્યાર્થીઓની નવી પેઢીમાં તેઓ સ્વીકૃત નહીં બની શકે. સર્વેક્ષણમાં ભાગ ના લેનાર મિત્રોએ પોતાની ભવિષ્યની તાલીમને વધુ ગુણવત્તાયુકત બનાવવાની તક ગુમાવી છે.

પ્રધાનમંત્રીશ્રી જયારે અહીં મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા કે ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વનાં કોઈ પણ વિદ્યાર્થીની આંખમાં આંખ મિલાવી વાત કરી શકે એવો સક્ષમ હોવો જોઈએ. આ વાત તેઓશ્રીએ તો ૨૦૦૩ માં શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો ત્યારે કહી હતી. ૧૮ વર્ષ અગાઉ કહેલી વાત આજે એકદમ પ્રસ્તુત લાગે છે. હવે તાલુકા-જિલ્લા કે રાજયો વચ્ચે કોઈપણ ક્ષેત્રે હરીફાઈ રહી નથી. દરેક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હરિફાઈ થઈ ગઈ છે ત્યારે આપણે દરેક ક્ષેત્રમાં સજ્જ થવું જ પડશે. આત્મનિર્ભર ભારત માટે પણ હવે પોતાનાં પગ ઉપર જ ઉભા રહેતા શીખવું પડશે. તો સજ્જ તો થવું પડશે અને રહેવું પણ પડશે.

બધા જ ક્ષેત્રો-ધંધા-વ્યવસાયમાં સફળતા મેળવવી હશે તો શિક્ષિત થવું જરૂરી છે. ગમે તેટલી ધંધાની આવડત હોય પણ શિક્ષિત ન હોઈએ તો ધંધાનો વિકાસ સીમિત જ રહેશે. રાજય સરકાર આ બધું સમજી વિચારીને પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણની સારામાં સારી વ્યવસ્થા પણ કરી રહી છે. વિજયભાઈ અને નીતિનભાઈએ ગયા બજેટમાં રૂ.૩૨,૦૦૦ હજાર કરોડ શિક્ષણ વિભાગને આપ્યા હતા. સરકારનાં સૌથી મોટા બજેટનો સંપૂર્ણપણે શિક્ષણનાં હીત માટે જ ઉપયોગ થાય તેવું આયોજન અમે કરી રહ્યા છીએ. વળી આટલું મોટું બજેટ હોવા છતાં પણ પાયો જ કાચો રહે તે પોષાય જ નહીં. શિક્ષણવિદો પણ આ જ કહે છે કે પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુકત અને મજબૂત બને તે માટે નવા પ્રયોગ અને પ્રયાસ બંને જરૂરી છે.

શિક્ષણ સુધારણા કરવામાં આપણે સફળ પણ રહ્યા છીએ. સરકાર, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીનો એક સરખો ધ્યેય હોય તો સફળતા મળે જ. રાજયના તમામ શિક્ષકોના પ્રયત્નોથી જ મિશન વિદ્યાથી શરૂ કરી અનેકવિધ પ્રયાસો દ્વારા ગ્લા માં રાજયનું સ્થાન A+પ્રાપ્ત થયું છે. જે ગુણવત્તા સુધારણાનું મોટું પ્રમાણ છે, માટે કોઈ વ્યકિતગત સ્વાર્થ માટેનો આ ધ્યેય ન હોઈ શકે. સામૂહિક વિકાસ અને ઉમદા ભવિષ્ય માટે આપણાં ૧૦૦% બાળકો ગુણવત્તાયુકત શિક્ષણ મેળવે તે માટે સૌની સામાજિક જવાબદારી અને ફરજ પણ છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કારનાં પ્રસંગનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે આપણે સૌ સજ્જ થઈએ.

-શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણમંત્રી, ગુજરાત

મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩

(12:02 pm IST)