Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

અમદાવાદ મનપા 11.80 કરોડના ખર્ચે 10 કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની થર્ડ વેવ સામે લડવા માટે તૈયારી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની થર્ડ વેવ સામે લડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા 30 કે તેથી વધુ બેડની ક્ષમતા ધરાવતાં કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો (સીએચસી) ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા અંગેની દરખાસ્ત મંજુર કરાઇ હતી. કોરોનાની મહામારીની થર્ડ વેવની સંભાવનાને જોતા અમદાવાદ મ્યુનિ.એ શહેરના 10 કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો ખાતે 500 અને 250 એલપીએમ કેપેસીટીના પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ ઉભા કરવાની અને ઓપરેશન-મેઇન્ટેનન્સના કામને મંજુરી આપી છે જેની પાછળ રૃ.11.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની થર્ડ વેવની સંભાવનાને જોતા શહેરમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ મજબુત કરવા માટે તૈયારીઓ શરૃ કરવામાં આવી છે જેના ભાગરૃપે એસવીપી હોસ્પિટલમાં વધારાના 332 જેટલા આઇસીયુ બેડ વધારવામાં આવશે. 1100 ઓક્સિજન પોઇન્ટ ઉભા કરાશે. 672 કોમ્પ્રેસ્ડ એર પોઇન્ટ અને 471 વોક્યુમ પોઇન્ટ ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય શહેરના જુદા-જુદા સીએચસી ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી છે. શહેરના જુદા-જુદા 15 સ્મશાનગૃહોમાં ઇન્સ્ટોલ કરેલી 23 સીએનજી ભઠ્ઠીઓના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી.

શહેરના કયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ખાતે પ્લાન્ટ ઉભા કરાશે

કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું નામ – બેડની ક્ષમતા

1. વટવા સીએચસી – 30

2. દાણીલીમડા સીએચસી – 30

3. ગોમતીપુર સીએચસી – 30

4. રખિયાલ સીએચસી – 30

5. સરખેજ સીએચસી – 30

6. ચાંદખેડા સીએચસી – 30

7. સાબરમતી સીએચસી – 30

8. નરોડા મુઠીયા સીએચસી – 30

9. વસ્ત્રાલ સીએચસી – 30

10. આઇડી હોસ્પિટલ, બહેરામપુરા – 50

(12:43 am IST)