Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

બનાસકાંઠા પંથકના 125 ગામના ખેડૂતો દ્વારા પાણીની સમસ્‍યાને લઇ મહા રેલીઃ વિરોધ પ્રદર્શન કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યુઃ મંદિર-મસ્‍જીદમાં પ્રાર્થના

વડગામના કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે મંદિરમાં સામુહિક પ્રાર્થના

બનાસકાંઠાઃ બનાસકાંઠા પંથકના વડગામ અને પાલનપુરમાં પાણીની વિકટ સમસ્‍યાને લઇ 125 ગામના ખેડૂતોએ મહા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપ્‍યુ હતુ. આ દિશામાં યોગ્‍ય પગલા ન ભરાતા હિન્‍દુ, મુસ્‍લિમ લોકોએ સામુહિક મહાઆરતી યોજી ભગવાન સરકારને સદ્‌બુદ્ધિ આપે એવી મંદિર-મસ્‍જીદમાં પ્રાર્થના કરી હતી.

બનાસકાંઠાના વડગામમાં આવેલ કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી ભરવા માટેની માંગને લઈને 125 ગામોના ખેડૂતોએ ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે દરેક ગામોમાં દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી. તો અનેક મુસ્લિમ બિરાદરોએ ખાસ નામજ અદા કરીને અલ્લાતાલાને દુઆ કરી હતી.

વડગામ અને પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે, જેને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે. જોકે ખેડૂતોની માંગ ન સ્વીકારતાં અઠવાડિયા પહેલા વડગામ અને પાલનપુરના 125 ગામોના 20 હજારથી વધુ ખેડૂતોએ મહારેલી યોજીને વિરોધ પ્રદશન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જ કરમાવત તળાવ ભરવાની માંગ કરી હતી. જોકે તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન ભરાતા ખેડૂતો ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે આજે 125 ગામોમાં ખેડૂતો, મહિલા પશુપાલકો અને લોકોએ ગામના મંદિરમાં સામુહિક દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી. ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, જેથી સરકાર ખેડૂતોની વેદના સમજે અને પાણી આપે. તો બીજું બાજુ 125 ગામોના લોકોએ પણ પોતાના ઘરના આંગણામાં એક દીપ પ્રગટાવીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

બીજી તરફ અનેક ગામોના મુસ્લીમ બિરાદરોએ પણ પોતાના ગામની મસ્જિદમાં જઈને સામુહિક ખાસ ઈબાદત કરી હતી અને અલ્લાહતાલાને દુઆ કરી હતી કે અલ્લા સરકાર કો સદબુદ્ધિ ફરમાયે. ખેડૂત વિપુલભાઇ ચૌધરીએ જણાવ્યુ કે, અમે 20 હજાર ખેડૂતોએ મહારેલી નીકાળી છતાં પણ સરકાર અમારું સાંભળતી નથી. જેથી આજે અમે 125 ગામોના ખેડૂતોએ ભેગા મળી સરકારને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી છે.

તો અન્ય ખેડૂતોએ કહ્યુ કે, 30 વર્ષથી તળાવ ભરવાની માંગ કરીયે છીએ પણ સરકારને કઈ પડી નથી એટલે આજે અમે મહાઆરતી કરી. ભગવાન અમારી અરજ સાંભળે અને સરકારને સદબુદ્ધિ આપે એ માટે આજે અમે જ્યોત પ્રગટાવી છે.

પાણી વગર મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છતાં કોઈ જ પરિણામ ન આવતા હવે ખેડૂતો ભગવાનના શરણે ગયા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની માંગ ક્યારે પુરી થાય છે.

(5:40 pm IST)