Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસદ્વારા ધરપકડ કરાઈ : ખોટો કેસ કરાયો હોવાનું રટણ

અમદાવાદ : મૂળ સુરેન્દ્રનગરની અને સોશિયલ મીડિયા પર હમેશા પોસ્ટ કરીને અન્ય લોકો વિશે વિવાદિત નિવેદન કરનારી કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે.

બે મહિના અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભારત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ છે.અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી છે.

ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

મહત્વનું છે કે આરોપી કીર્તિ પટેલ સામે અગાઉ સુરતમાં હત્યાના પ્રયાસ સહિત અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયા હતા જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સુરતમાં ન પ્રવેશવાની શરતે જામીન પર છુટેલી કીર્તિ પટેલ કાયદાને ખિસ્સામાં રાખીને બેફામ વાણી વિલાસ કરતી રહે છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.અને આ ગુનામાં સામેલ અમદાવાદના ભરત ભરવાડ નામના આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે

 

(7:21 pm IST)