Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મહેસાણામાં વરસો જુના શોપિંગ સેન્ટરમાં પાલિકા દ્વારા 37વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી

મહેસાણા: શહેરમાં વ્યાપાર અને વિસ્તારનો વ્યાપ અનેકગણો વધતો રહ્યો છે. વરસો જૂના શોપીંગ સેન્ટર, કોમ્પ્લેક્સ સહિતના બિલ્ડીંગ્સની હાલત જર્જરિત થઈ છે. તેના ભયજનક ભાગને દૂર કરવા માટે મહેસાણા નગરપાલિકા દ્વારા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવતી હોય છે. અત્રેના રાજમહેલ રોડ પર આવેલાં શુભલક્ષ્મી માર્કેટની હાલત પણ જર્જરિત અને જોખમી થઈ છે. જે કોમ્પ્લેક્સના ભયજનક ભાગ ધસી પડીને કોઈ જીવલેણ અકસ્માત સર્જે તે પહેલાં તેને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા શુભલક્ષ્મી માર્કેટના ૩૭ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી.

શહેરના મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર, રાજમહેલ કોમ્પ્લેક્સ, વણીકર ક્લબ કોમ્પ્લેક્સના લટકતી તલવાર સમાન જર્જરિત ભાગ ધસી પડવાના બનાવો ઉપરાછાપરી બન્યાં હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જેના પગલે નગરપાલિકાએ વેપારીઓને વેપાર ધંધા બંધ કરી ભયજનક ભાગ ઉતારી લઈ તેને રિપેર કરાવવા નોટિસ ફટકારી તાકીદ કરી હતી. દરમિયાનમાં વેપારીઓએ પણ સ્વખર્ચે જોખમી બાંધકામ પાડી તેની મરામત આરંભી દીધી હતી. દરમિયાનમાં નગરપાલિકા દ્વારા અન્ય જર્જરિત અને ભયજનક બિલ્ડીંગ્સનો સર્વે કરાવવામાં આવ્યા બાદ આજે શુક્રવારે રાજમહેલ રોડ પરના શુભલક્ષ્મી માર્કેટના ભયજનક ભાગનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી જર્જરિત બાંધકામ દૂર કરી તેનું સમારકામ કરી ભયમુક્ત કરી તેની જાણ પાલિકાને કરવા તાકીદ કરાઈ હોવાનું ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતુ.

તેમના જણાવ્યા મુજબ ચોમાસુ નજીક હોવાથી કોઈ જાનહાનિ, માલહાનિ થાય નહીં તે માટે વેપારીઓને પદરના ખર્ચે રીપેર કરાવી લેવા નોટિસ આપી હતી.  ભવિષ્યમાં કોઈ અકસ્માત કે જાનહાનિ તથા કોઈ પણ જાતનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વેપારીની અંગત રહેશે. જો કોઈ વેપારી કે મિલકતધારક દ્વારા ભયજનક ભાગ દૂર કરવામાં નહીં આવે તો ડીઝાસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવી કહ્યું કે, આ અંગે પ્રાન્ત અધિકારીને પાલિકા દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

(5:52 pm IST)