Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા માટે વડોદરાની મુલાકાતે

હાર્દિક પટેલ પ્રદેશ અધ્યક્ષ બનશે ? દિગ્વિજયસિંહે કહ્યું નિર્ણય હાઇકમાન્ડ કરશે

વડોદરા :કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા માટે આજે વડોદરા આવ્યા હતાં. વડોદરાના હરણી એરપોર્ટ પર આવી પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહને આવકારવા માટે કોંગ્રેસના નેતાઓ સહિત સ્થાનિક મોટી સંખ્યામાં હરણી એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે સરકારે મારી વાત ધ્યાનમાં લીધી તે બદલ હું વડાપ્રધાન મોદીનો આભારી છું. તેઓ તમામ નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કાશ્મીરનો મુદ્દો સંવેદનશિલ છે જેથી કાશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જોઈએ.

ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને મૂકવો જોઈએ કે નહીં તેવા જવાબમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે ગુજરાતમાં અનામત માટે મોટું આંદોલન ચલાવ્યું હતું. અને ગુજરાતમાં તેમની ઘણા દિવસથી માગ થઈ રહી છે. જોકે, તેનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે. તેને પણ દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. પરંતુ, ચૂંટણી જીતવી એટલી સરળ નથી. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરતી હોય છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રવેશી છે ત્યારે તેઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરે તેમાં કોઈ ખોટું નથી.

(8:16 pm IST)