Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ બર્ડ હિટને રોકવા ઘડ્યો એક્શન પ્લાન

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 3 વર્ષમાં 62 જેટલી બર્ડ હિટની ઘટનાઓ: દિલ્હી IGIએરપોર્ટ પર લગાવવામાં આવેલા રીફલેક્ટરને અમદાવાદ એરપોર્ટ રનવે પર લગાવાશે

અમદાવાદ : શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જ્યાં ડોમેસ્ટિક ની સાથે વિદેશી ફ્લાઈટોનું પણ આવન જાવન રહેતું હોય છે જેને કારણે ગુજરાતના તમામ એરપોર્ટમાંથી અમદાવાદ એરપોર્ટ પર એરટ્રાફિક વધારે રહેતો હોય છે. એરટ્રાફિક બર્ડ હિટની ઘટના પણ અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ બની રહી છે 

   આ ઉપરાંત જૂન મહિનામાં 15 જૂન થી લઈને 30 જૂન સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટના 6 બનાવ બન્યા છે.જેમાં સૌથી વધુ બર્ડહિટના બનાવ ઇન્ડિગોની ફ્લાઇટ સાથે બન્યા છે.જો કે આ બર્ડહીટની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. પરંતુ વારંવાર થતી બર્ડહિટની ઘટનાને રોકવા માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેનાથી બર્ડહિટ નું જોખમ નિવારી શકાશે

  અમદાવાદ એરપોર્ટ પર સતત વધી રહેલી બર્ડહિટની ઘટનાને રોકવા માટે અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટનું રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે દિલ્હી IGI એરપોર્ટ ના રન વે પર આ પ્રકારના રીફલેક્ટર લગાવવામાં આવ્યા છે જેનાથી રન વે તરફ આવતા પક્ષીઓને રોકવામાં સફળતા મળી છે

જેને કારણે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા દિલ્હી IGIએરપોર્ટ પર લગાવવામાં આવેલા રીફલેક્ટરને અમદાવાદ એરપોર્ટ રનવે પર લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 3 વર્ષમાં 62 જેટલી બર્ડ હિટની ઘટનાઓ બનવા પામી છે જેનાથી વિવિધ એરક્રાફ્ટને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ રોકવા માટે એરપોર્ટ ઓથીરિટી દ્વારા દર વર્ષે અલગ અલગ પ્લાન તૈયાર કરવામાં આવે છે. તેમજ તેનો અમલ પણ કરવામાં આવે છે જો કે તેમ છતાં બર્ડ હિટની ઘટનાઓ અટકતી નથી. તેવા સમયે એરપોર્ટ ઓથીરિટીનો આ નવો પ્લાન કેટલો સફળ રહે છે તેની પર સૌની નજર છે.

(7:41 pm IST)