Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજય સરકારે હાઇકોર્ટમાં સ્વીકાર્યુ કે હાલ ફેસેલીટી તો ઉભી છે પરંતુ માનવબળ નથી

રાજયમાં ૪૦૦૦ સ્પેશિયાલિસ્ટ, ૧૦૦૦૦ MBBS અને ૨૨૦૦૦ નર્સની જરૂર છે'

જો ત્રીજી લહેર આવશે તો રાજયમાં ઓકિસજન, બેડ, હોસ્પિટલ સાથે સાથે વિશાળ માનવબળની જરરુરિયાત ઉભી થશેઃ બીજી લહેર દરમિયાન પણ અનેક કોવિડ સ્પેશિયલ હોસ્પિટલોમાં સ્ટાફની અછતનો સામનો સરકારી કરી ચૂકી છે

અમદાવાદ, તા.૨: ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ આપતાં ગુજરાત સરકારે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પોતાની તૈયારીના પ્લાન અંગે માહિતી આપી હતી. તેમજ સરકારે કોર્ટને જણાવ્યું કે પાછલી બે લહેરના અનુભવમાંથી સરકાર શીખી છે અને તે પ્રમાણે મહામારીની આગામી લહેર જો આવે તો તેને ધ્યાને રાખીને પ્લાન તૈયાર કર્યો છે.

રાજય સરકારે પોતાના જવાબમાં કહ્યું કે કોરના મહામારીની ત્રીજી લહેર જો આવશે તો તમામ સંસાધનોની જરુરિયાત અનેકગણી વધી જશે. તેમણે કહ્યું કે જેમ કે કોરોનાની બીજી લહેર દરમિયાન રાજયમાં ૨૩૫૦ જેટલા સ્પેશિયાલિસ્ટોની જરુરિયાત પડી હતી. જો ત્રીજી લહેર આવશે તો દર્દીઓની સારવાર માટે રાજયમાં ૪૦૦૦ જેટલા સ્પેશિયાલિસ્ટોની જરુરિયાત પડશે. તેવીજ રીતે ૫૨૦૦ જેટલા MBBSની સામે ૧૦૦૦૦ MBBS અને ઈન્ટર્ન્સ તબીબોની જરુરિયાત પડશે. આ જ પ્રમાણે વોર્ડમાં દર્દીઓની સારસંભાળ માટે લગભગ ૧૨૦૦૦ જેટલી નર્સની જરુરિયાત પડી હતી જેની સામે આગામી લહેરમાં ૨૨૦૦૦ જેટલી નર્સની આવશ્યકતા પડી શકે છે.

જોકે, સરકારે રજૂ કરેલા એફિડેવિટ અને ડોકયુમેન્ટ્સમાં આ માનવ સંસાધનો કેવી રીતે પૂરા પાડવામાં આવશે તેના નામે મગનું નામ મરી નથી પાડ્યું. ખાસ કરીને કોરોના જેવી મહામારીના વોર્ડમાં ખૂબ જ ટ્રેઇન્ડ સ્ટાફની જરુરિયાત રહે છે. મહત્વનું છે કે ફક્ક કોરોના ફેસિલિટી ઉભી કરી દેવાથી વાત અટકતી નથી. એક મહિના પહેલાની જ વાત છે જયારે રાજય સરકારે પોતાના જવાબમાં હાઈકોર્ટ સમક્ષ સ્વિકાર્યું હતું કે તેમને પોતાની કોવિડ-૧૯ ફેસેલિટીઝ માટે સ્પેશિયલાઇઝડ ડોકટર શોધવામાં ખૂબ જ અડચણ નડી રહી છે. ત્યાં સુધી કે માસિક રુ. ૨.૫ લાખ જેટલો પગાર ઓફર કરવા છતાં ટ્રેઇન થયેલા સ્પેશિયાલિસ્ટો સરકારને નથી મળી રહ્યા. અહીં એ નોંધવું રહ્યું કે બીજી લહેર દરમિયાન એપ્રિલ મે મહિનામાં DRDOના સહયોગથી શરું કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલ માટે સરકાર સ્પેશિયલિસ્ટ સહિતનો સ્ટાફ મેળવવામાં ફીફા ખાંડતી જોવા મળી હતી.

કોરોના મહામારીની છેલ્લી લહેરમાં સરકારે કોરોના કેસ વધતા માનવ સંશાધનો ભેગા કરવા માટે ૧૪૧૫ જેટલા ડોકટરને ડ્યુટી પર હાજર થવા આદેશ આપ્યો હતો. આ ડોકટર્સ સરકારી મેડિકલ કોલેજમાં ખૂબ જ નજીવી ફી ભરીને ભણ્યા હતા અને પોસ્ટ ગ્રેજયુએશન કરીને નિષ્ણાંત બન્યા હતા. સરકારી કોલેજમાં નજીવા ખર્ચે ભણવા માટે આ ડોકટરોએ સરકાર સાથે બોન્ડ કરવો પડે છે જેના આધારે સરકારે મહામારીના સમયમાં જરુરિયાત ઉભી થતાં આ ડોકટરોને કોવિડ-૧૯ ફરજ પર હાજર રહેવા આદેશ આપ્યો હતો. જોકે દ્યણાખરાં ડોકટરો હાજર ન રહેતા તેવા ૭૯૯ ડોકટરો સામે સમાજ તેમજ સરકાર પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારીથી દૂર ભાગવા સબબ રાજય સરકારે એપેડેમિક ડિસિઝ એકટની કલમ ૩ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. જોકે આ ડોકટરોએ હાઈકોર્ટ પાસે આ ફરિયાદ સામે રક્ષણ માગ્યું છે જે અંગેના કેસની સુનાવણી આજે શુક્રવારે થઈ શકે છે.

પોતાના એફેડેવિટમાં રાજય સરકારે કહ્યું કે 'રાજયમાં દૈનિક કેસ ફકત ૯૩ સુધી પહોંચી ગયા છે અને રિકવરી રેટ ૯૮ ટકા જેટલો થઈ ગો છે ત્યારે રાજય સરાકરે ભવિષ્યનો વિચાર કરીને ત્રીજી લહેર માટે જરુરી સંશાધનો ભેગા કરવા, માનવબળ એકઠું કરવા સહિતની પોતાની તૈયારીઓ આરંભી દીધી છે.'

(4:00 pm IST)