Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોંગ્રેસે ચૂંટણીની તૈયારી શરૂ કરીઃ નેતાઓ- કાર્યકરોમાં ઉત્સાહ લાવવા કવાયત

અમિતભાઈ ચાવડા અને અર્જુનભાઈ મોઢવાડીયાની જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠકઃ મોંઘવારી, કૃષિ કાયદો જેવા પ્રશ્નો સાથે મેદાનમાં

ગાંધીનગર  તા. ૨ : ગુજરાતમાં આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં  વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.

લોકસભા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાર થયા પછી  કોંગ્રેસ નવા ઉત્સાહ સાથે વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ  છે. ગુજરાત કોંગ્રેસે જિલ્લાસ્તરની સમિતિ સાથે બેઠક કરવાનું શરુ કરી દીધું છે.  બેઠકો દ્વારા નેતાઓ અને કાર્યકર્તાઓમાં જુસ્સો લાવવાની કવાયત શરુ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને પક્ષના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા નેતાઓ જિલ્લા સમિતિ સાથે બેઠક કરી રહ્યા છે.  ગઈકાલે જ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.  જેમાં નેતાઓ અને કાર્યકર્તાઓ પાસેથી જિલ્લાની સ્થિતિ જાણી અને અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન કર્યું.

આ પહેલા તેઓએ સ્થાનિક નેતાઓની સાથે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. અને બાદમાં તે બનાસકાંઠાના  દાંતાના કેશવપુરા ગામમાં આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા  ઉદાસિંહ સોલંકીના પરિજનોને મળ્યા હતા. બાદમાં પાલનપુરમાં બનાશકાંઠા જિલ્લા કોંગ્રસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજી હતી. જેમાં તેઓએ લોકોની વચ્ચે જવા માટે નેતાઓ અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

આ પૂર્વે તેઓ ગાંધીનગર, આણંદ, સાબરકાંઠામાં વિસ્તૃત કારોબારી બેઠક કરી ચુક્યા છે. અને સ્થાનીય નેતાઓ, કાર્યકર્તાઓને  ચૂંટણીની તૈયારીઓમાં જોડાઈ જવા કહ્યું હતું. મોંઘવારી , કૃષિ, કાયદો, સમુદ્ર પ્રદુષણ જેવા મુદાઓ ઉઠાવી ભાજપ સરકારને ઘેરવા અને સાથે જ કાર્યકર્તાઓને લોકોની વચ્ચે જવા આહવાન કર્યું છે.

(3:57 pm IST)