Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગુજરાતભરના શહેરોમાંથી ૪પ કરોડની થાપણો ઉઘરાવી ચાંઉ કરી જવાના ગુનામાં આરોપીની ધરપકડ સામે 'સ્ટે'

રાજકોટ, તા., ૨: ગુજરાતભરમાં હજારો લોકો પાસે થાપણોના નામે પૈસા ઉઘરાવી ચાઉ કરી જવાના ગુન્હામાં રાજકોટની આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના માલીક તથા એજન્ટો વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાના કામે એજન્ટ દિપક પટેલની ધરપકડ સામે હાઇકોર્ટે રોક લગાવી સ્ટે ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના ૧૫૦ ફુટ રોડ પર આવેલ આશીષ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી, સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ નામની   પેઢીઓ ચાલુ કરી ગુજરાતભરના વિવિધ  શહેરોમાં એજન્ટો નિમી રોકાણકારો પાસેથી ઉચા વ્યાજ તથા વળતરના વાયદાઓ કરી અને ખોટા બહાનાઓ  આપી પેઢીમાં રોકાણકારોને રોકાણ કરવાથી સારૂ રીટર્ન અને રકમ મળશે તેવી લાલચ આપી રાજયના વિવિધ  શહેરોમાંથી એજન્ટો મારફત ૪પ કરોડ જેવી રકમ ઓળવી જતા આરોપી (૧) પ્રદિપભાઈ ખોડાભાઈ ડાવેરા  (૨) દિવ્યેશભાઈ કાલાવડીયા (૩) હિતેશભાઈ લૃકકા (૪) ચંંદ્રકાંતભાઈ રણછોડભાઈ પટેલ (પ) અશોકભાઈ  વલ્લભભાઈ કાલરીયા (૮) કાર્તીક ઉફે ગોપી લલીતભાઈ ઝાલા (૭) પાર્થ જનકભાઈ ઝાલા (૮)પરીતોષ  લલીતભાઈ ઝાલા (૯) લલીતભાઈ પુનાભાઈ ઝાલા (૧૦) દિપક કોટડીયા—પટેલ (૧૧) જનકભાઈ પટેલ  વિગેરે વિરૂધ્ધ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની તેમજ જી.પી.આઈ.ડી.  (ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટ્રસ્ટ ઓફ ડીપોઝીટર્સ)ની કલમો હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી. 

આરોપીઓ વિરૂધ્ધ GPID ના ખાસ કાયદા હેઠળની ફરીયાદ નોંધાતા ધરપકડની દહેશતથી આરોપી  દિપક પટેલે આગોતરા જામીન મેળવવા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં  આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને જામીન અરજીમાં મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ કે  આરોપી દિપક પટેલ આક્ષેપાયેલ કોઈપણ પેઢીમાં મેનેજમેન્ટ કે ડીરેકટર તરીકેનો કોઈ હોદો ધરાવતા નથી  માત્ર એજન્ટ હોવાનું જણાવી તેમને આરોપી તરીકે દર્શાવી પોલીસ અટક કરવા માંગે છે ખરી હકીકતે આરોપીએ  પોતે પણ ઉપરોકત પેઢીઓમાં રોકાણ કરેલ છે અને ફરીયાદી તથા સાહેદોની જેમ તે પણ પેઢીના માલીકોના  દુષ્કૃત્યનો શીકાર બનેલ છે તેથી તેને આરોપી બનાવી પોલીસ સમગ્ર તપાસને અવળી દિશાએ લઈ જવા માંગતી  હોય આરોપીને ધરપકડ સામે રક્ષણ આપવા સર્વોચ્ચ અદાલતે ત્રિપલ તલાકના કેસમાં આપેલ ચૂકાદાને ટાંકી  લંબાણ પૂર્વકની રજૂઆતો કરેલ હતી. 

ગુજરાત હાઈકોર્ટ દ્વારા દિપક પટેલ વતી થયેલ રજુઆતો ધ્યાને લઈ અરજદારની આગોતરા જામીન  અરજી એડમીટ કરી આરોપીને તપાસના કામે સહકાર આપવાનું જણાવી અરજદારને ગુનાના કામે અટક ન  કરવા પોલીસને આદેશ ફરમાવેલ છે.   

આ કામમાં આરોપી દિપક કોટડીયા-પટેલ વતી જાણીતા એડવોકેટ તૃષાર ગોકાણી, પ્રતિક જસાણી,  રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ,    વિરમ ધ્રાંગીયા વિગેરે રોકાયેલ હતા.

(3:56 pm IST)