Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમદાવાદ :એસ.ઓ.જીએ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડેલા બે આરોપી બાદ હવે પેડલરની ધરપકડ કરી

લોકેશની એમ.ડી ડ્રગ્સ બાબતે પુછપરછ કરતાં આ એમ.ડી ડ્રગ્સનો જથ્થો લાલા ચૌધરી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી : લાલા ચૌધરી રાજસ્થાનના બાડમેરનો વતની

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સક્રિય થઈ હોય તેમ એક બાદ એક ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાયેલા ડ્રગ્સ ડીલરોને શહેર પોલીસ ઝડપી રહી છે. એસ.ઓ .જીએ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડેલા બે આરોપી બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ. ડ્રગ્સ મોકલનાર રાજસ્થાન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલા આરોપીનું નામ છે લોકેશ પાટીદાર. જે મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે અને ગુજરાતમાં ડ્રગ્સ મોકલનાર આરોપી છે. એમ.ડી ડ્રગ્સ સાથે એસઓજીએ થોડા દિવસ પહેલા બે આરોપીની 238.400 ગ્રામના જથ્થા સાથે ધરપકડ કરી હતી. જે મહેશ અને લાલ શંકર નામના આરોપીની પૂછપરછમાં લોકેશએ ડ્રગ્સ અમદાવાદ પહોંચાડવાનું કહ્યું હતું. જેની તપાસમાં લોકેશ નામ ખુલતા જ એસ.ઓ.જી ક્રાઇમ લોકેશ પાટીદારની ધરપકડ કરી છે.

અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે લોકેશની એમ.ડી ડ્રગ્સ બાબતે સઘન પુછપરછ કરતાં આ એમ.ડી ડ્રગ્સનો જથ્થો લાલા ચૌધરી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી રહ્યો છે. લાલા ચૌધરી રાજસ્થાનના બાડમેરનો છે. અને અગાઉ તે નારોલમાં રહેતો હતો અને ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આટલું જ નહીં પકડાયેલ આરોપી લોકેશએ મુંબઈ ચાની કીટલી ધરાવી વેપાર કરતો હતો. પણ તેમાં ભાઈ સાથે અણબનાવ બનતા તે ધંધો બંધ કર્યો. આજે બાદમાં તેણે કોઈ ઓફિસ રાખી હતી. જેમાં કરેલા કરારમાં તેની સાથે ઠગાઈ થતા તે લોકડાઉન દરમિયાન આર્થિક સંકળામણમાં આવી ગયો અને લાલા પાસેથી માલ લઈ બે લોકોને ખેપ મારવા મોકલી આપ્યા હોવાની કબુલાત કરી છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે 238.400 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કેસમાં હાલ ત્રણ લોકોને પકડી લીધા છે.પણ હવે મુખ્ય આરોપી લાલા ચૌધરી ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે. સાથે જ અમદાવાદમાં ડ્રગ્સ રિસીવ કરનાર શોધખોળ શરૂ કરી છે.જો કે અત્યાર સુધી પોલીસ માત્ર કેસ કરી વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સમય લગાવતી હતી પણ હવે પોલીસ ડ્રગ્સની બદી દૂર કરવા મૂળ આરોપી સુધી પહોંચી આ ચેઇન તોડવા પ્રયત્નશીલ બની ગઈ છે.ત્યારે મુખ્ય આરોપી પકડાયા બાદ એ જોવુ રહ્યું કે આ ડ્રગ્સના કાળા કારોબારના મૂળ ક્યાં સુધી પહોચે છે.

 

 

(9:19 pm IST)