Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા-જામનગર મહાનગરોની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મંજૂરી.

કુલ ૨૭૫૦૦ જેટલા ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ-રહેઠાણ માટે જમીન મળશે: બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ ૩૩.૬૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૫૫.૫૮ હેક્ટર્સ, વેચાણ માટે ૧૧૫.૯૭ હેક્ટર્સ જમીન મળશે:રાજયના શહેરી ક્ષેત્રના આયોજનબદ્ધ વિકાસને વેગવંતો બનાવતા મુખ્યમંત્રી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે, મુખ્યમંત્રીએ આ વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
  ભુપેન્દ્રભાઈ પટેલે જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં ૩૮/૧ દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. ૬૧ ખોરજ ખોડિયારનો સમાવેશ થાય છે

 મુખ્યમંત્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૨૦(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૧(જામનગર), વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૧૦(ગોત્રી-ગોરવા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૧(સમીયાલા-બીલ) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૪/એ(અંકોડીયા-ખાનપુર-સેવાસી-મહાપુરા)નો સમાવેશ થાય છે
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાની કુલ ૭ ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે કુલ ૩૨.૫૫ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અને આ બધી સ્કીમમાં મળીને અંદાજે કુલ ૨૭૫૦૦ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે.
એટલું જ નહીં, બાગબગીચા તથા રમતગમતના મેદાન, ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા ૩૩.૬૬ હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધા માટે ૫૫.૫૮ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે
આ ઉપરાંત આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે ૧૧૫.૯૭ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે
.

   
(8:24 pm IST)