Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠીઓને સન્માનિત કરાયા

ગુજરાત ગરિમા એવોર્ડથી પાંચ વ્યક્તિ વિશેષોનું રાજ્ય સન્માન- પાટણ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર 15 લોકોનું ગુજરાત ગૌરવ દિવસે સન્માન:ગુજરાતનો સર્વાંગી વિકાસ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત : રાજ્યપાલ :આચાર્ય દેવવ્રત :જિલ્લામાં નગરપાલિકાઓના વિકાસ માટે રૂપિયા 2.5 કરોડ તથા જિલ્લાના વિકાસ માટે વધારાના રૂપિયા 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ: દેશ અને દુનિયાના વિકસીત રાષ્ટ્રોના નિષ્ણાંતો - અર્થશાસ્ત્રીઓ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત

અમદાવાદ : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠીઓને ગરિમા એવોર્ડ તથા પાટણ જિલ્લાના 15 શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ગરિમા એવોર્ડથી પાંચ વ્યક્તિ વિશેષોનું રાજ્ય સન્માન કરાયું હતું જ્યારે પાટણ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર 15 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણ ખાતે યોજાયેલ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની સંધ્યાએ શ્રેષ્ઠીઓના સન્માનની ગુજરાતની આગવી પરંપરાએ નવી ઉંચાઇ પ્રસ્થાપિત કરી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના વિકાસ માટે રૂપિયા 2.5 કરોડ તથા જિલ્લાના વિકાસ માટે વધારાના રૂપિયા 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1લીમે ગુજરાત સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિન-2022ની સંધ્યાએ યોજાયેલા ગુજરાત સ્થાપના દિનની ગુજરાત ગાશે પાટણ ગાન કાર્યક્રમાં રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, ગુજરતાનો સર્વાંગી વિકાસ અન્ય રાજ્યો માટે પ્રેરણાસ્ત્રોત છે.
રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓએ તેમની સૂઝબૂઝ અને પુરુષાર્થ દ્વારા લોકોના દિલ જીત્યા છે આજે દુનિયાભરના દેશના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ મોડેલની જાણકારી મેળવવા ગુજરાતની મુલાકાત લે છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઊંચા હાંસલ કરી છે, અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વણથંભી વિકાસયાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે.
આજના પાવન પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યના પ્રત્યેક નાગરિક પૂર્ણ સમર્પણભાવથી પુરુષાર્થ કરવાનો સંકલ્પ લે અને ગુજરાતને વિકાસના નૂતન આયામ પર પ્રસ્થાપિત કરે.
તેમણે જણાવ્યુ હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય તહેવારોને ગાંધીનગરમાં નહીં પરંતુ જિલ્લા કક્ષાએ ઉજવવાની શરૂઆત કરી  આ રાષ્ટ્રીય પર્વોને ખરા અર્થમાં લોકપર્વ અને વિકાસ ઉત્સવ બનાવ્યા છે.
ગુજરાત મહાપૂરુષોની ભૂમિ છે એ વાતનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઇ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જેવા અનેક મહાપુરુષો એ આ ધરતી પર જન્મ લીધો છે. ગુજરાતે ભારતની સાંસ્કૃતિક વિરાસતની સંભાળ લીધી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલએ જળ-જમીન પર્યાવરણની રક્ષા માટે દેશી ગાયના જતન-સંવર્ધન માટે, સ્વાસ્થપ્રદ આહારની ઉપલબ્ધિ માટે અને ખેડૂતો તેમજ ખેતરની સમુદ્ધિ માટે સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આ પ્રસંગે અનુરોધ કર્યો હતો. તેમણે આવનારા પેઢી વ્યસન મુક્ત બને, શિક્ષણ અને સંસ્કારોથી સમુદ્ધ બને અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપે તેવો પુરુષાર્થ કરવા આગ્રહ પણ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિનો નવો યુગ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકસાવ્યો છે તેના પાયામાં બે દાયકા પહેલા ગુજરાતની શાશનધૂરા સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીનું દીર્ધ-દૃષ્ટિપૂર્ણ નેતૃત્વ છે. તેમના મક્કમ પગલાંઓને પગલે ગુજરાત વર્ષ 1960થી 2000 સુધીના ચાર દાયકામાં ગુજરાત જ્યા હતું ત્યાંથી છેલ્લાં બે-અઢી દાયકામાં અનેક ગણું આગળ વધ્યું છે.
દેશ અને રાજ્યમાં આજે અનેક એવા ક્ષેત્રો છે જેમાં નરેન્દ્રભાઇ મોદીની આગવી સિદ્ધીની પહેલ પરિણામલક્ષી બની છે, તેના પગલે ગુજરાત પણ આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. દેશ અને દુનિયાના વિકસીત રાષ્ટ્રોના નિષ્ણાંતો કે અર્થશાસ્ત્રીઓ આજે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.
પાટણ ખાતે યોજાયેલ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, અણહિલપૂર પાટણ, લોથલ અને ધોળાવીરાની પ્રાચીન ભૂમિ એવું ગુજરાત આઝાદી સંગ્રામના સૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ પણ છે. આ ભૂમિએ ગાંધી-સરદાર-શ્યામજી કૃષ્ણાવર્મા- રવિશંકર મહારાજ અને ઇંદુચાચા જેવા લોકસેવકો આપ્યા છે આવા સેવકોને યાદ કરવાનો અવસર એટલે ગુજરાત ગૌરવ દિવસ એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને સતત અને અવિરત ધબકતુ રાખવા અગ્રિમ વિકાસનો પથ શ્રી નરેન્દ્રભાઇ મોદીના પગલે કંડાર્યો છે તેજ માર્ગે ગુજરાત આજે આગળ વધી રહ્યું છે. ગુજરાતે શરૂ કરેલો ક્લાયમેન્ટ ચેન્જ વિભાગ, ચારણકામા સ્થપાયેલો સૌથી મોટો સોલાર પાર્ક, 24 કલાક વિજળી આપતી જ્યોતિગ્રામ યોજના તેના પૂરાવા છે. પ્રવર્તમાન રાજ્ય સરકાર પણ તેજ ગતિથી વિકાસપથ પર આગળ વધી રહી છે. છેલ્લા 20 વર્ષમાં રૂપિયા 11 હજાર 815 કરોડના ખર્ચે 7.65 લાખ ખેડૂતોને વીજજોડાણો આપ્યા છે એજ રીતે રૂપિયા 100 કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં આદિવાસી વિસ્તારમાં 500 નવા મોબાઇલ ટાવર ઊભા કરવાનો નિર્ણય પણ કર્યો છે.
લોકોને સ્પર્શતી રોજબરોજની બાબતોમાં પણ રાજ્ય સરકારે સંવેદનાપૂર્વક નિર્ણય કર્યા હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની મર્યાદા એક વર્ષથી વધારીને 3 વર્ષની કરી છે. દિવ્યાંક્તાનું પ્રમાણપત્ર આજીવન માન્ય રાખવાનું ઉપરાંત સરકારી કામ માટે એફિડેવિટમાંથી મુક્તિ આપીને સેલ્ફ ડેક્લેરેશનને પણ માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે-સાથે નિરાધાર વૃદ્ધ પેનશન યોજના અંતર્ગત માસિક પેનશન રૂપિયા 750થી વધારીને રૂ. 1000 અને 80 વર્ષથી વધુના નિરાધારોને માસિક પેનશન રૂપિયા 1000થી વધારીને રૂપિયા 1250 કરવાનો સંવેદનાપૂર્વક નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે. આ સાથે મહિલાઓના સશક્તિકરણ માટે આ વર્ષના બજેટમાં 42 ટકાના નોંધપાત્ર વધારાની રૂપરેખા પણ મુખ્યમંત્રીએ આપી હતી.
આ અવસરે પાટણ જિલ્લા પ્રભારી તેમજ સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત તેના સ્થાપનાકાળથી તેના સંસ્કાર વારસાને સાચવીને બેઠું છે. પાટણની ઐતિહાસિક ધરાએ આપણનને અનેક મહાનુભાવો આપ્યા છે ત્યારે રાષ્ટ્રીય પર્વને જિલ્લા કક્ષાએ ઉજવણી શ્રુંખલામાં પાટણ ખાતે સ્થાપના દિવસની ઉજવણી એક નહીં ઉંચાઇ પ્રસ્થાપિત કરશે.
મૃદુ છતા મક્કમ મનોબળ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિકાસની રાજનીતિમાં આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના શ્રેષ્ઠીઓને 'ગુજરાત ગરિમા એવોર્ડ 2022'થી સન્માનિત કરાયા છે જેમાં કૃષિ ક્ષેત્રમાં પ્રફુલચંદ્ર મનસુખભાઈ સેજલીયા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ડો. પ્રતાપભાઈ પંડ્યા (મરણોત્તર), સમાજ સેવા ક્ષેત્રમાં નિલેશભાઈ માંડલેવાલ, રમત ગમત અને યોગ ક્ષેત્રમાં કુ.અન્વી વિજય ઝાંઝરૂકીયા, કલા ક્ષેત્રમાં કિર્તીદાન ગઢવીને 'ગુજરાત ગરિમા એવોર્ડ 2022' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સિવાય પાટણ જિલ્લાના મહેશભાઈ ભણસાલી, એસ.કે. ટ્રસ્ટ પાટણ વતી ભરતભાઇ શાહને, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ વત્તી જે.કે પટેલને, બેબા શેઠ (જી.જી.ઠક્કર), ભરતભાઇ કાંતિલાલ સાલ્વી, જયશ્રી હડકાઈ માતા પ્રગતી મંડળ, ઠાકોર ચંદ્રિકાબેન રૂપાજી અને ટીમ, શ્રીમતી તન્વીબેન હીમાંશુભાઈ પટેલ, તનીલ આર. કિલાચંદ, નવીનભાઈ ઠક્કર ,પાલકર આસના, મકતબા જાફરીયા કેમ્પસ સિદ્ધપુર, સુશ્રી નિરમાબેન ભરતજી ઠાકોર, મોહનભાઈ બજાણીયા, દિનેશભાઈ ઠાકરને ગુજરાત ગૌરવ દિવસે વિવિધ ક્ષેત્રોમાં કરેલી સેવાકીય કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે પાટણ જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલ વિકાસ વાટિકા તથા ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બનાવાયેલ પુસ્તોકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાહિત્યકાર વિષ્ણુભાઇ પંડ્યા, અગ્રણી ઉદ્યોગકાર કરસનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ ભરતસિંહ ડાભી, સર્વે ધારાસભ્યોઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા.

   
 
   
(11:15 pm IST)