Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

નવસારીના ચીખલીમાં મોબાઇલની દુકાનમાં ચોરી થયેલ 27 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

ચોર ગેંગ દ્વારા લાખો રૂપિયાના મોબાઇલ અને એસેસરીઝની ચોરીને અંજામ અપાયો હતો

નવસારીઃ નવસારીના ચીખલીમાં મોબાઇલ શોપની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્‍યો છે. 27 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નવસારીનાં ચીખલીમાં બે દિવસ પહેલા મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ શોપ માંથી ચોરી કરેલા 30 લાખનો મુદ્દામાલ પણ પકડી પાડવા આવ્યો છે.

અત્યાર સુધી નાની ચોરીને અંજામ આપનારી ગેંગ હવે મોટી ચોરીને અંજામ આપવા નીકળી અને પોલીસને હાથે ઝડપાઈ ગઈ. નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં બે દિવસ પહેલા મોબાઈલના શો રૂમમાં ચોરીનો બનાવ બન્યો હતો. મોબાઈલનાં શો રૂમમાં દીવાલમાં બાકોરું પાડીને ચોર ગેંગ દ્વારા લાખો રૂપિયાના મોબાઈલ અને એસેસરીઝની ચોરીને અંજામ આપ્યો હતો. જોકે નવસારીનાં ચીખલીમાં થયેલી ચોરીના આરોપી અમદાવાદ તરફ હોવાની માહિતીને આધારે જિલ્લા એલસીબી દ્વારા ત્રણ ચોરને પકડી પાડવા આવ્યા છે.

મોબાઈલના શો રૂમમાં ચોરીને અંજામ આપનાર આરોપી પૈકી રોનક ઝાલા જે ધોળકા વિસ્તારમાં રહે છે તો બીજો આરોપો આસિફ રઝા જે ઉતરપ્રદેશના માં રહે છે અને ત્રીજો આરોપી રિયાઝ ઉલ બિહારમાં રહે છે. ત્રણ્યે આરોપીએ મોબાઈલનાં શો રૂમ માંથી 147 મોબાઈલ ફોન, 3 ટેબ્લેટ, 6 સ્માર્ટ વોચ, 90 ચાર્જર એડેપ્ટર, 68 ચાર્જર કેબલ, 8 હેન્ડ્સ ફ્રી, 37 કેબલ સાથેના કાળા કલરના ચાર્જર, 33 કી પેડ મોબાઈલ ફોનની બેટરી સહિત 27 લાખથી વધુની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. ચોર ટોળકીએ આઇફોન, સેમસંગ, વન પ્લસ સહિતની કંપનીઓના મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરી હતી.

અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે ત્રણેય આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉ પણ અનેક નાની નાની ચોરીને અંજામ આપી ચૂક્યા છે. ભાવનગર પાસેના બે મંદિરોમાં દાનપેટી માથી રોકડા અને સોના ચાંદીના દાગીના ચોરીઓ કરી હતી. આ ઉપરાંત ફૂટપાથ પર સૂતેલા લોકોના મોબાઈલ ફોન પણ ચોરીઓ કરતા હતા.

બીજી તરફ આરોપી આસિફ રઝા બેંગલોર ખાતે એક કપડાના શોપ માંથી 70 જેટલા પેન્ટ અને ટી શર્ટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીને ચીખલી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરશે અને આ ચોર ગેંગ માં.વધુ કોઈ સામેલ છે કે કેમ અને અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરશે.

(5:52 pm IST)