Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અધ્યાપક સહાયકોની ભરતીના દ્વાર ખોલી સરકારે શારિરીક શિક્ષણને પ્રાધાન્ય આપ્યું

અનુદાનિત કોલેજોમાં સહાયક અધ્યાપકોની ખાલી જગ્યાઓ ભરાવાથી રમત-ગમત ક્ષેત્રે ખુશ્નુમા વાતાવરણ સર્જાશેઃ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અર્જુનસિંહ રાણા

રાજકોટ, તા. ૧ :. રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકોની ખાલી જગ્યાઓ ભરવા ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, હોમ સાયન્સ, કાયદા શિક્ષણની સાથોસાથ શારીરિક શિક્ષણ વિદ્યા શાખામાં ૭૮૦ અધ્યાપક સહાયકની નિમણૂકના દ્વાર ખોલી નવી શિક્ષણ નિતિ મુજબ સ્પોર્ટસ એજ્યુકેશન ફોર ઓલ અને ફીટ ઈન્ડીયા મુવમેન્ટને વધુ વેગવાન બનાવી છે. જે ખૂબ જ આવકાર્ય છે તેમ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાએ જણાવ્યુ છે.

શારિરીક શિક્ષણમાં સહાયક અધ્યાપકોની ભરતી લાંબા સમય પછી થઈ રહી છે. આ જગ્યાઓ પુરાવાથી વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રનું જ્ઞાન મળશે જે ભવિષ્યમાં તેમને રોજગારીની તકો પણ પુરી પાડશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને ચૂસ્ત અને સ્ફુર્તિવાન બનાવશે.

નવી શિક્ષણ નિતિ પ્રમાણે સ્વર્ણીમ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવી કોલેજો ખુલશે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શારિરિક શિક્ષણ સાથે રમત-ગમતમાં પારંગતતા કેળવશે તેમ શ્રી રાણાએ અંતમાં ઉમેર્યુ હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફીટ ઈન્ડીયા મુવમેન્ટ અને મુખ્યમંત્રી શ્રી રૂપાણીના સ્પોર્ટસ એજ્યુકેશન ફોર ઓલના મંત્રને પરિપૂર્ણ કરવાની નેમ વ્યકત કરવા સાથે સહાયક અધ્યાપકોને મળેલી તકને નિષ્ઠાપૂર્વક કામ કરી પરિપૂર્ણ કરવા અપીલ કરી છે.

(2:47 pm IST)