Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

હવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી MD ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા : દરિયાઈ માર્ગ બાદ હવે ટ્રેન મારફત ખેપ

એક કિલો ડ્રગ્સ સાથે નાર્કોટિક્સ વિભાગની ટીમે ડ્રગ્સ લાવનાર પ્રવીણ ભાટીની ધરપકડ કરી : 2 રિસીવર સરોજ ગોસ્વામી અને અબ્દુલ ગનીની પણ ધરપકડ

અમદાવાદ :  હજુ 15 દિવસ પૂર્વે જ કચ્છના મુન્દ્રા બંદર પર અંદાજે 3 હજાર કિલો હેરોઈન ઝડપાયાની શાહી સુકાઈ નથી, ત્યાં જ પોરબંદર અને હવે અમદાવાદથી MD ડ્રગ્સ સાથે 3 શખ્સોની અટકાયત કરાઈ છે.

ગુજરાત નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ગુજરાતમાં ટ્રેન મારફતે ડ્રગ્સ ઘુસાડવાની ફિરાકમાં છે. માહિતી મળતા જ એલર્ટ થઇ ચુકેલા NCBએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. અને હાવડા -ગાંધીધામ ટ્રેનમાંથી 3 શખ્સોની અટકાયત કરી લીધી હતી.આ શખ્સો 1 કિલો જેટલો MD ડ્રગ્સનો જથ્થો લઇ જઈ રહ્યા હતા. નાર્કોટિક્સ વિભાગની ટીમે ડ્રગ્સ લાવનાર પ્રવીણ ભાટીની ધરપકડ કરી છે.સાથે જ 2 રિસીવર સરોજ ગોસ્વામી અને અબ્દુલ ગનીની પણ ધરપકડ કરવામાં આવી છે

NCB હવે એ તપાસ કરશે કે આ ત્રણેય પહેલી વાર ખેપ લગાવી છે કે ગુજરાતમાં વારંવાર ખેપ લગાવી રહ્યા છે. આ જથ્થો કોણ મંગાવે છે અને કોણે સપ્લાય કરવાનો હતો. આ તમામ પાસાઓ પર પૂછ પરછ કરશે.

કચ્છના દુર્ગમ એવા સિરક્રીક વિસ્તારમાંથી BSF અને અન્ય એજન્સીઓને મળીને લાગ્બાહ ૧૫૫૨ કિલો જેટલો ચરસનો જથ્થો છેલ્લા બે વર્ષમાં હાથ લાગ્યો હતો. કહેવાય છે એક, પાકિસ્તાની માછીમારો આ ડ્રગ્સ કચ્છના રસ્તે ગુસાડવા પ્રયાસ કરતા હતા. દરમિયાન કચ્છના જ મુન્દ્રા બંદર DRI ની એક તપાસ દરમિયાન ટેલ્કમ પૌદારના નામે બે કન્ટેનર્સમાં અંદાજે 21 હજાર કોર્દનો હેરોઈનનો જથ્થો હાથ લાગતા અન્ય રાષ્ટ્રીય એજન્સીઓ પણ સક્રિય થઇ ગઈ હતી અને કચ્છ સિવાય વિશાખાપટ્ટનમ,દિલ્હી,મુંબઈ જેવા સ્થળોએ તપાસ શરુ કરી દીધી હતી. ગુજરાતના ઇતિહાસમાં કદાચ સૌથી મોટા એવા આ નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનામાં અત્યાર સુધી 8 વ્યક્તિઓની ધરપકડ થઇ છે.

(11:20 pm IST)