Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

નો માસ્ક, નો ડિસ્ટન્સ : વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરે જાહેરમાં કેક કાપી મેરેજ એનિવર્સરી ઉજવી

વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શ્વેતા ચૌહાણના પતિ અને તેમનાં શુભેચ્છકો દ્વારા જાહેરમાં કેક કટીંગ કરીને એક પાર્ટીનું આયોજન કર્યું

વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટરે પોતાની મેરેજ એનિવર્સરી જાહેરમાં કેક કાપીને અને દહીંહાંડીના કાર્યક્રમની ઉજવણી કરી હતી. વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શ્વેતા ચૌહાણના પતિ અને તેમનાં શુભેચ્છકો દ્વારા જાહેરમાં કેક કટીંગ કરીને એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેક કટિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેલા એક પણ વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેર્યુ ન હતો. આ ઉપરાંત સામાજીક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો.

કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન જ ભાજપના કોર્પોરેટર દ્વારા મેરેજ એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હતા.

બીજી તરફ થોડા દિવસો પહેલાં જ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હેમિષા ઠક્કરે પણ જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. એટલે નેતાઓ જ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડીને આ પ્રકારે જાહેરમાં જન્મદિવસની અને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે શું કોરોનાની ગાઈડલાઈનનું પાલન માત્ર જનતા માટે જ છે તે બાબતે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

(10:39 pm IST)