Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અમદાવાદમાં રોડ ઉપર ભૂવામાં ખાબકેલા યુવાનને ગંભીર ઇજા : કુબેરનગરમાં નબળા રોડ કામથી વારંવાર પડતા ભુવા જાખમકારક

ભુવામાં ગરકાવ યુવાને ૧પ મીનીટ સુધી રોડ ઉપર પસાર થતા લોકોને મદદ માટે આજીજી કરી હતી : હાથ પગ તથા પીઠમાં ઇજા

અમદાવાદ : કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા તેનો જીવ જાખમમાં મુકાઇ ગયો હતો.  કુબેરનગર ખાતે રહેતાં 21 વર્ષીય યુવાન રવિવારની સાંજે 5 વાગ્યાની આસપાસ કુબેરનગર ભાર્ગવ રોડની કિશોર સ્કૂલ પાસેથી પસાર થઇ રહયો હતો તે વખતે ભૂવા પડતા તે ભુવામાં ગરકાવ થઇ ગયો હતો. યુવાન ભુવામાં પીઠના ભાગે ભૂવામાં પછડાતા તેને હાથ, પગ અને પીઠના ભાગે ઇજા થઇ હતી.

આ યુવાન ભૂવામાં પડયો ત્યારે 15 મીનિટ સુધી ભૂવામાં રહયો હતો પછી ત્યાંથી પસાર થતાં વાહનચાલકે તેને જોઇ મદદ કરી હતી. વાહનચાલકો સહિત અન્ય લોકોએ ભેગા મળી તેને બહાર કાઢયો હતો. યુવાને સમગ્ર ઘટના અંગે વીડિયો બનાવી આરોપ મુક્યો છે કે, આ વિસ્તારમાં નબળા રોડના કારણે વારંવાર ભૂવા પડે છે. જો હું બાઇક ઉપર હોત અને ભૂવો પડ્યો હોત તો ગંભીર રીતે ઘાયલ થયો હોત.

શહેરના કુબેરનગર વિસ્તારના ભાર્ગવ રોડ ઉપર રબારી વાસ ખાતે 21 વર્ષીય શિવમ ભુરસિંઘ કુશવાહા રહે છે તેઓ બીકોમ સાથે ગ્રેજ્યુએટ થયા છે અને તેઓ હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. ગત રવિવારે રજા હોવાના કારણે સાંજના પાંચ વાગ્યાની આસપાસ તેઓ પગપાળા લટાર મારવા નીકળ્યા હતા તે વખતે તેઓ ભાર્ગવ રોડની કિશોર સ્કૂલ પાસેના રોડથી પસાર થઇ રહ્યાં હતા તે વખતે રોડમાં મોટો ભૂવો પડ્યો હતો અને તેઓ ભૂવામાં ગરકાવ થઇ ગયા હતા.

યુવાને એક વીડિયો જાહેર કરી પોતાની વ્યથા દર્શાવી છે કે , છાશવાર અહીં ભૂવા પડે છે. રોડની ગુણવત્તા નબળી છે. અહીં ભૂવાના કારણે તેઓની પીઠ અને પગના ભાગે ઇંજા થઇ છે. આ અંગે તેમણે પોતાનો અનુભવ સાથેનો એક વિડિયો પણ બનાવ્યો છે. ભૂવા નાગરિકો માટે જોખમી છે જેથી આ પ્રકારની નબળી ગુણવત્તાને સુધારવામાં આવે તેવું કહી રહ્યાં છે.

(7:52 pm IST)