Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

આણંદમાં લિફ્ટની ખુલ્લી જગ્યામાં યુવક પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ : શહેરના સો ફુટ રોડ ઉપર આવેલી સર્વરી હાઇટ્સના બહુમાળી બિલ્ડીંગમા જે-તે સમયે બિલ્ડર-ઓર્ગેનાઇઝરોએ એપાર્ટમેન્ટમાં બે લીફ્ટ આપવાની રહીશોને ખાતરી આપી હતી.  આણંદ ગ્રામ્ય પોલીસ મથકમા ફરજ બજાવતા એએસઆઇ ફારૂકમીયાં મલેકે ૨૦૧૬માં સર્વરી હાઇટ્સમા ફલેટ ખરીદ્યો હતો અને બિલ્ડર હાજી સિરાજ સહિત ૩ ભાગીદારોએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારે બે લિફ્ટની સુવિદ્યા થઇ જશે તેમ જણાવ્યુ હતું. પરંતુ સમય જતાં બિલ્ડરોએ માત્ર એક જ લીફ્ટની કામગીરી પૂર્ણ કરી અને બીજી લીફ્ટ ઇન્સ્ટોલેશન કર્યા વિના ખુલ્લી જગ્યા રાખી હતી. જે જગ્યામાથી કોઇ પડી જાય તો સુરક્ષા અને સલામતી જોખમાય તેવુ જાણતા હોવા છતાં તે સ્થળે લીફટના સ્થાને કોઇ આડશ પણ મુકવામા આવી નહોતી અને લીફટ્ની જગ્યા ભયજનક રીતે ખુલ્લી છોડાઇ હોઇ બિલ્ડરની ગંભીર બેદરકારી બહાર આવી છે. ત્યારે ફારૂકમીયાં મલેકનો ૨૪ વર્ષીય પુત્ર મહંમદ ફરહાન સીડીથી નીચે ઉતરતો હતો ત્યારે લીફ્ટની ખુલ્લી જગ્યામાંથી પાંચમા માળેથી નીચે પટકાયો હતો અને તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જેના જમણા પગના હાડકાના બે ટુકડા થઇ જવા ઉપરાંત શરીર ઉપર અનેક ઇજાઓ પહોંચી છે. ત્યારે આ મુદ્દે ભોગ બનનારના પિતા ફારૂકમિયાં મલેકે આણંદ ટાઉન પોલીસમથકે બિલ્ડર હાજી સિરાજમિયાં અમીનમિયાં કુરેશી રહે. બાકરોલ, મહેબુબમિયાં મલેક, અહેસાનમિયાં મલેક રહે. બાકરોલ અને વહીવટદાર અબ્દુલમિયાં મલેક સહિત ૪ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:14 pm IST)