Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રિક્ષામાં બેસીને મુસાફરોને લૂંટતી ૫ જણની ટોળકી ઝબ્બે

વાસણા પોલીસનું ઓપરેશન : ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડીને લૂંટ ચલાવતા હતા

અમદાવાદ,તા.૩૧ : રીક્ષામા બેઠેલી દેખાવાડી યુવતી ને જોઈ ને ભરમાય ન જતા. વાસણા પોલીસે એક એવી ગેંગ પકડી છે જે પોતાની ગેંગમાં સામેલ યુવતીઓ ને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતી. અમદાવાદની વાસણા પોલીસે એક યુવતી, એક સગીરા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી ૩૩ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પુરુષોની કમજોરી એક સ્ત્રી પણ હોય છે.

અને એજ કમજોરીનો ફાયદો વાસણા પોલીસે પકડેલી આ ગેંગ ઉઠાવતી હતી. તસ્વીરમાં જોવા મળતા આ આરોપીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. અનેક માસથી આ ગેંગના સભ્યોમાંનો એક આરોપી રિક્ષા ચલાવતો હતો. સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા હતા. મુસાફરો આ યુવતીને જોઈને વિશ્વાસ કરી લેતા અને રીક્ષામા બેસી જતા હતા.

પણ બાદમાં આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલ મુસાફરને લૂંટી લેતા હતા હોવાનું વાસણા પીઆઇ કે. જે. ઝાલાએ જણાવ્યું છે. આરોપી રીક્ષા ચાલક છે તેની રીક્ષામા આ યુવતી અનેક સમયથી પેસેન્જર તરીકે જતી હતી. જેથી બને વચ્ચે વધુ સબંધ કેળવાય ગયા હતા. યુવતીની સગીરા મિત્ર અને રિક્ષા ચાલકનો મિત્ર એમ પાંચેય લોકોએ મળીને લૂંટ કરવાનું  નક્કી કર્યું અને આ રીત લોકોને લૂંટવાનું કામ શરૂ કર્યું હતું. હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે.

પણ સુત્રોનું માનીએ તો, આવા અનેક ગુના છે જે પોલીસ ચોપડે નોંધાયા નથી. જો વધુ ગુના આવા નોંધાયા હોત તો કદાચ આંકડો વધી શકતો પણ હતો. હાલ તો ૩૩ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ત્યારે લોકોએ રિક્ષામાં બેસતા પહેલા ખરેખર ચેતવાની જરૂર છે. થોડા સમય પહેલા રાજકોટમાં પણ આવી જ એક ગેંગ ઝડપાઇ હતી.

આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાય સમયથી માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ગેંગ સક્રિય થઇ હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસને મળી હતી. આ સમયે રિક્ષામાં બેસાડીને મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ પોતાના નવા શિકારની શોધમાં હતી તે દરમિયાન માલવિયાનગર પોલીસ દ્વારા મવડી ઓવરબ્રિજ નીચેથી રિક્ષા ગેંગ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં પકડાયેલા તમામ શખ્સો અગાઉ મુસાફરોના પાકીટ ચોરીના ગુનામાં પણ ઝડપાઇ ચૂકયા હતા.

(9:31 pm IST)