Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કરજણમાં ટ્રેન નીચે પડતું મૂકીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

દેહરાદૂન-મુંબઇ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું

વડોદરા : કરજણ ખાતે કપલે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હાલ આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી જેથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે આવેલા પ્લેઝર ઇન્ડિયા કંપનીની પાછળથી પસાર થઈ રહેલી રેલવે અપલાઈન પર આજે બપોરના 3.30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહેલી દેહરાદૂન-મુંબઇ એક્સપ્રેસ ટ્રેન નીચે એક કપલે કોઈ કારણોસર પડતું મૂકી મોતને વ્હાલું કર્યું હતું. મૃતક યુવાન કરણ કાનજીભાઈ રાઠોડ (ઉ.22) રહે. નવીનગરી પોર, તા. વડોદરાનો હોવાનું સામે આવ્યું છે.

તેમજ મૃતક યુવતી જાંબુવા વડોદરાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બંને યુવક યુવતીએ એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યા હોવાનું જણાઈ આવતાં પ્રેમનો મામલો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રેમી યુગલના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:07 am IST)