Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હવે કોંગ્રેસ હિંદુત્વના માર્ગે :ભાગવત, રામકથાના કાર્યક્રમ સાથે હિન્દુ તહેવારોની પણ કરશે ઉજવણી

અમદાવાદમાં રામકથા, શિવપૂજા, ગણેશ ઉત્સવ અને નવરાત્રીના આયોજનો કરશે : બહુમતી મતદાતાઓને લોભાવી શકાય તેવા મુદ્દાઓને લઇને લોકો સુધી જવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ :છેલ્લા 25 વર્ષથી હારનો સામનો કરી રહેલ કોંગ્રેસ હવે 2022માં ભાજપના રસ્તે આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે.તેમાં પણ ખાસ કરીને મહાનગરોમાં હિન્દુવાદી છાપ ઉભી કરવા માટે નવી રણનીતિ સાથે નવા પ્લાન ઘડ્યા છે.

  કેસરિયો શબ્દ સાંભળતા ભાજપનો કેસરિયો ખેસ ન સમજી લેતા.અહીં અમે હિન્દુત્વનું પ્રતિક ગણાતા કેસરિયા રંગની વાત કરી રહ્યા છીએ.જે કેસરિયા સાથે આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓ મહાનગરોમાં ફરતા જોવા મળશે.કારણ કે, વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે રચનાત્મક કાર્યક્રમો યોજવા પર ભાર મુક્યો છે.જેમાં અમદાવાદ જેવા શહેરોમા કે જ્યાં કોંગ્રેસને હિન્દુત્વના મુદ્દે નુકસાન થઇ રહ્યું છે, ત્યાં બહુમતી મતદાતાઓને લોભાવી શકાય તેવા મુદ્દાઓને લઇને લોકો સુધી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય હેઠળ જ કોંગ્રેસે અમદાવાદમાં રામકથા, શિવપૂજા, ગણેશ ઉત્સવ અને નવરાત્રીના આયોજનો કરવાનું નક્કી કર્યું છે.

અમદાવાદ જેવા શહેરોમાં હિંદુ-મુસ્લિમ ફેક્ટર ચૂંટણી પરિણામો પર ખુબ મોટી અસર કરે છે, ત્યારે કોંગ્રેસ પોતાની છાપ સુધારવાનો પ્રયત્ન રામકથા સહિતના હિંદુ કાર્યક્રમોનું આયોજન કરશે.આવા પ્રયત્નો કરવાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે.કારણ કે, ૨૦૧૭ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં ફરતા જોવા મળ્યા હતા.અને તેનો ફાયદો કોંગ્રેસને મહદઅંશે થયો હતો.

એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે, દેશમાં રાજનીતિ ધર્મ આધારિત થઈ રહી છે.અને નેતાઓ પણ જાણે છે કે, એકપણ ધર્મના લોકો નારાજ થયાં તો ભારે પડી શકે છે.ત્યારે જોવાનું એ રહેશે કે, હિન્દુત્વને વધુ પ્રોત્સાહન આપી કોંગ્રેસ હિન્દુ મતદારોને રિઝવવામાં કેટલા અંશે સફળ રહે છે.

(11:44 pm IST)