Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હાર્દિકની જીદના કારણે ભાજપ ઝૂકી : હવે શ્વેતા બ્રહ્મભટ્ટ સવારે 11 વાગ્યે અને હાર્દિક 12 કલાકે ભાજપમાં જોડાશે

હાર્દિક પટેલની જીદના કારણે બે અલગ-અલગ કાર્યક્રમો કરવા પડ્યા

અમદાવાદ :  ગુરૂવારે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને પૂર્વ કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. આવતીકાલે સવારે બંને નેતાઓ માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. હાર્દિક પટેલની જીદ આગળ ભાજપે નમતુ જોખવુ પડ્યું છે. હાર્દિકની જીદના કારણે હવે શ્વેતા બ્રહ્મભટ્ટ સવારે 11 કલાકે જ્યારે હાર્દિક પટેલ 12 કલાકે ભાજપનો ખેસ ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ બંને ભાજપમાં સાથે સામેલ થવાના હતા. જોકે હાર્દિકની જીદ આગળ ભાજપની નેતાગીરીએ ઝુકવુ પડ્યું છે

ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં યોજાનાર કાર્યક્રમમાં હાર્દિક પટેલે જીદ કરી હોવાની વિગતો સામે આવી છે. હાર્દિકે ભાજપમાં જોડાવાની રૂપરેખા પોતે જ તૈયાર કરી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા, જ્યાં તેમણે પોતાની જોડાવવાની વાત અને એકલા જ જોડાવાની જીદ કરી હતી, ત્યારબાદ ભાજપે બે અલગ-અલગ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે.

આવતીકાલે એટલે ગુરૂવારે કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે. તેની જોરશોરથી તૈયારીઓ પણ થઈ રહી છે. ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યલય કમલમ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યું છે. હાર્દિક પટેલના સ્વાગત માટે રાજ્યભરમાં પોસ્ટર લાગ્યા છે. જોકે હાર્દિક પટેલના સ્વાગત પહેલા ભાજપમાં ડખો સર્જાયો છે. પહેલા માહિતી મળી હતી કે બંને નેતાઓના સ્વાગત માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે. જોકે તાજેતરમાં જે માહિતી મળી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ સીઆર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે.

(10:15 pm IST)