Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વાસંદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ

ધરમપુરમાં વિશાળ રેલી કાઢી આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું : આવેદનપત્ર આપી અનંત પટેલ સાથે ખરાબ વર્તન કરનાર નવસારી એલસીબીના પીઆઇ દિપક કોરાટ સામે કાયદાકીય કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માંગ

વાસંદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી પોલીસ વચ્ચે ગઈકાલે થયેલા ઘર્ષણનો મામલો વધારે ઉગ્ર બની રહ્યો છે. અનંત પટેલ સાથે નવસારી પોલીસે કરેલા વર્તનના વિરોધમાં વલસાડ જિલ્લામાં પણ આદિવાસી સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે. રોષે ભરાયેલા આદિવાસી સમાજ દ્વારા આજે વલસાડના ધરમપુરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લાના પણ આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલી ધરમપુરના જાહેર માર્ગો પર ફરી અને ધરમપુર મામલતદાર કચેરી પર પહોંચી હતી. જ્યાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનના અંતે આવેદનપત્ર આપી અનંત પટેલ સાથે ખરાબ વર્તન કરનાર નવસારી એલસીબીના પીઆઇ દિપક કોરાટ સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમને ડીસમીસ અને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છે કે ગઈકાલે નવસારીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જીઇબીના આઉટ સોર્સિંગના કર્મચારીઓની માંગ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનંત પટેલ અને નવસારી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા અનંત પટેલની સાથે બળજબરી કરી તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજ ધરમપુરમાં રસ્તા પર ઉતરી આવ્યો હતો.

આ દરમિયાન પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અનંત પટેલની સાથે ગેરવર્તન કરનાર નવસારી એલસીબી પીઆઈ દિપક કોરાટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પી.આઇ. વિરુધ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો. આગામી સમયમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી.

(9:08 pm IST)