Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રાજ્યના સેવા નિવૃત્ત પૂર્વ સૈનિકોની રજુઆતોના નિરાકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પુર્વ સૈનીકોની માંગણીઓ પ્રત્યે સરકારનો અભિગમ સકારાત્મક છે: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર :ગુજરાત રાજ્યના સેવા નિવૃત્ત આર્મી, નેવી, એર્ફોર્સના પૂર્વ સૈનિકોની કેટલીક રજુઆતો સંદર્ભે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. વિવિધ વિભાગોને લગતી રજુઆતો બાબત પૂર્વ સૈનિક સેવા પરિષદના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા. તમામ રજુઆતો બાદ હર્ષ સંઘવીએ પૂર્વ સૈનિકોને ખાતરી આપી હતી કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સંવેદનશીલ સરકાર સૈનીકોના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે પુરું સન્માન ધરાવે છે અને તેમની રજુઆતો અને માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ સાથે કાર્યવાહી કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પૂર્વ સૈનિકોના તમામ વિષયો પર ઊંડાણ પુર્વક ચર્ચા કરી, હાલમાં મળતી સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. પૂર્વ સૈનિકોને જિલ્લા ક્લ્યાણ અને પુન: વસવાટ કચેરીઓ થકી વિવિધ યોજનાઓના લાભ મળતા હોય છે, આ વ્યવસ્થા વધુ ઈફેક્ટીવ અને મોર્ડન બને,  અને પૂર્વ સૈનિકો સરળતાથી તેનો લાભ લઈ શકે તે બાબતે પણ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ થયો હતો.
  સંઘવીએ જણાવ્યું હતું કે દેશ માટે સમર્પણની ભાવનાથી પોતાના જાન અને પરિવારની ચિંતા છોડીને સરહદ પર તૈનાત જવાનોની લાગણીઓ અને માંગણીઓ પ્રત્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની આ સરકાર સકારાત્મક જ છે. તેમની રજૂઆતો માટે સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓ સાથે પણ બેઠક કરાવી આપવાનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વચન પણ આપ્યું હતું.

(8:54 pm IST)