Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સુરતના ભેંસાણ વિસ્તારમાં બળદ પર કુહાડી વડે ઘાતકી હુમલો:ગંભીર ઇજા :ગૌપ્રેમીઓમાં આક્રોશ

સુરતના ભેંસાણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા એક બળદ  પર કોઈ અજાણ્યા શખ્શે કુહાડી વડે ઘાતકી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી અને ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કુહાડીનો ફટકો એટલો જોરદાર હતો કે તે બળદની પીઠમાં વાગી હતી.

મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારના એક સામાજિક કાર્યકર્તાએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પશુપ્રેમીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ FIR નોંધાવી છે.

મોરા ગામ મોટાવાડા આવાસમાં રહેતા ફરિયાદી વિજય આહિરે જણાવ્યું હતું કે, સોમવારે સાંજે 6.30 વાગ્યાના સુમારે કોઈએ તેમને ફોન કરીને જણાવ્યું કે ભેંસાણ રોડ પર સ્વાગત રેસીડેન્સી પાસે ખુલ્લા મેદાનમાં બળદને ઈજા થઈ છે. તેના પર કોઈએ કુહાડીનો ઘા માર્યો છે અને કુહાડી તેના શરીર પર ઘુસી ગઈ છે. એવું લાગે છે કે કોઈએ તેના પર કુહાડી વડે નિર્દયતાથી હુમલો કર્યો છે.

ઘટનાસ્થળે પહોંચી વિજયે આ બળદને સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી અને પશુ પ્રેમી સંસ્થાઓ અને ઈચ્છાપોર પોલીસને જાણ કરી હતી. ઈચ્છાપોર પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધનીય છે કે પંદરેક દિવસ પહેલા જ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા રોડના દામકા ગામના દરજી ફળીયામાં કોઈ અસામાજીક તત્વોએ રસ્તા પરથી પસાર થતા બળદ પર જલદ પ્રવાહી ફેંકતા તે ગંભીર રીતે દાઝી જતા રસ્તા પર બળદે દોડાદોડ કરી મૂકી હતી. આ ઘટનામાં પણ ઇચ્છાપોર પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ હજી સુધી બળદ પર હુમલો કરનાર અસામાજીક તત્વોનું કોઈ પગેરૂ મળ્યું નથી. ત્યાં વળી બળદ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ગૌપ્રેમીઓમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા માગ કરવામાં આવી રહી છે કે ગૌવંશ પર હુમલો કરનારા આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે.

(8:21 pm IST)