Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

પ્રોફેસરની નોકરી છોડી અમદાવાદી મહિલા યુટ્યૂબર બની ગયા :દરવર્ષે કરે છે 12 લાખ રૂપિયાની કમાણી

ઘર-પરિવાર ચલાવવાની સાથે સાથે ચાર-ચાર યુટ્યૂબ ચેનલ ચલાવે છે : તેમની ફૂડ ગણેશા યુટ્યૂબ ચેનલ ખાસી લોકપ્રિય : 4 લાખ 75 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ

અમદાવાદ :  21મી સદીની નારી દરેક કામમાં પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીના ચાલે એટલી સક્ષમ છે, તે ઘર સંભાળી શકે છે, નોકરી કરે છે, પરિવાર સંભાળે છે. જોકે આટલું કરવા છતાં થાક નથી લાગતો. અમદાવાદમાં રહેતાં નિધિબેન કનેરિયા (પટેલ) પણ આવાં જ સુપર વુમન છે, જેઓ ઘર-પરિવાર ચલાવવાની સાથે સાથે ચાર-ચાર યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને આ તમામ માટે તેમને સિલ્વર બટન મળી ચૂક્યા છે. એમાં પણ ખાસ કરીને તેમની ફૂડ ગણેશા યુટ્યૂબ ચેનલ ખાસી લોકપ્રિય થઈ છે, જેમાં 4 લાખ 75 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આના દ્વારા જ તેઓ વર્ષે 12 લાખ સુધી કમાણી કરી રહ્યાં છે.

નિધિ બેને કહે છે, મારો દિકરો કૌસ્તુભ નાનો હતો ત્યારથી તેને બહાર નથી ખવડાવતા, તેને ઘરે જ બનાવીને ઘરે જ ખવડાવતા. તેને રાગીની રાબ ખૂબ ભાવતી. પહેલા લિક્વિડ ફોર્મમાં અને પછી શિરો બનાવીને હું આપતી. આ રેસિપીનો હું આજુબાજુ પાડોશમાં વાત કરતા એક દિવસ મેં તેનો વીડિયો બનાવ્યો અને પોસ્ટ કર્યો, જે લોકોને ખૂબ ગમ્યો, પછી મારા પતિએ પણ આ વાતને વખાણી અને તેમના કહેવાથી મેં મને ફૂડ ગણેશાની શરૂઆત કરી. હું ઘરમાં જે જમવાનું બનાવતી અને ઘરના સભ્યોને ભાવે છે, તે રેસિપી બનાવીને યુ-ટ્યુબમાં મૂકું છું. અમુક તો ખૂબ સરળ છે, મેથી બટાટાનું શાક, પાલકનું શાક એ બધું મેં શરૂ કર્યું.

તેઓ કહે છે કે, ફૂડ ચેનલના કામમાં પરિવારનો તથા દૂરના સંબંધીઓને સારો રિસ્પોન્સ મળ્યો છે. વિદેશમાં સ્થાયી થયેલા સંબંધીઓના ઘણીવાર મેસેજ આવે છે કે અમે તમારા વીડિયો જોઈને આજે ભરેલા ટિંડોળા બનાવ્યા, ઘણી વખત સુખડી બનાવે, શીરો બનાવે અને પોતાના અનુભવ શેર કરે. જે લોકો મને ઓળખતા નથી તેમના પણ રિસ્પોન્સ આવે છે, પણ ઓળખીએ તેમના રિસ્પોન્સ આવે ત્યારે વધારે મજા આવે. ઘણા લોકો છે લોકડાઉનમાં બહાર જવાનું બંધ થઈ જતાં ઘરે રેસિપી બનાવતા. નવપરિણીત મહિલાઓની પણ કમેન્ટ્સ આવતી કે આજે પહેલીવાર ઘરે લાપસી બનાવી. એનાથી ઘરના સભ્યો ખુશ થયા. આવી કમેન્ટ્સથી ખૂબ સારું ફીલ થાય છે.

મને કોરોના થયો ત્યારે 15 દિવસ આ કામ ન થયું ત્યારે લોકોની કમેન્ટ્સ આવતી કે ‘બેન તમને કોરોના નથી થઈ ગયો ને? તમે ઠીક તો છો ને’. ફૂડ ગણેશાએ એક અનોખો અનુભવ આપ્યો છે. એકપણ એવી કમેન્ટ નહીં હોય, જે મેં વાંચી નહીં હોય. ઘણીવાર બહાર ગામ હોય ત્યારે અઠવાડિયું પણ થઈ જાય છતાં દરેક કમેન્ટ વાંચવાની. એમાંથી જ મોટિવેશન મળે છે.

જાણીને નવાઈ લાગશે કે નિધિબેન ઘરે જ રસોડામાં રસોઈના વીડિયો બનાવે છે, આ માટે તેમણે કોઈ અન્ય વ્યક્તિ રાખી નથી. તેઓ જાતે જ ટ્રાઈપોડ પર મોબાઈલ ફોન સેટ કરે છે અને વીડિયો શૂટ કરે છે. ત્યાર બાદ પોતે જ તેનું એડિટિંગ પણ કરે છે અને યુટ્યૂબ પર અપલોડ કરે છે. આમ, કોઈપણ પ્રકારની મદદ વિના તમામ પ્રકારનાં કામો જાતે જ તેઓ કરે છે. કિચન સાફ કરવાનું, કેમેરા એન્ગલ ચેન્જ કરવાના, શાકભાજી કટિંગ કરવાના આ બધાં કામ કરવા પડતાં હોવાથી હાલમાં તેમને એક વીડિયો બનાવવામાં જ 1 દિવસનો સમય લાગી જાય છે.

પોતાની ચેનલના વીડિયો વ્યૂ વિશે વાત કરતાં નિધિબેન કહે છે, શરૂઆતમાં હું મહિને 30 વીડિયો અપલોડ કરતી ત્યારે રોજના 1.25 લાખ જેટલા એટલે કે મહિને 40-50 લાખ વીડિયો આવતા હતા. જોકે હાલમાં વ્યસ્તતાને કારણે હું મહિને 15 વીડિયો જ અપલોડ કરું છું, જેમાં રોજના 80 હજાર એટલે કે મહિને 20 લાખ જેટલા વીડિયો વ્યૂ મળે છે. હાલ છેલ્લા બે મહિનાથી તેઓ સામાજિક કાર્યોને લીધે વેકેશન પર હતાં, એકપણ વીડિયો અપલોડ ન કર્યો હોવા છતાં રોજના એવરેજ 40-50 હજાર વીડિયો વ્યૂ આવતા. હાલમાં તેમણે ફરીથી આ કામ શરૂ કરી દીધું છે.

નિધિબેનનો દીકરો કૌસ્તુભ હાલમાં પોણાઆઠ વર્ષનો છે, જોકે સ્કૂલના બદલે તેઓ દીકરાને હોમ સ્કૂલિંગ જ કરાવે છે. ઘર ચલાવવાની જવાબદારી સંભાળવાની સાથે સાથે તેઓ દીકરા કૌસ્તુભને જાતે જ ભણાવે છે. જોકે આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સમય કાઢીને ફૂડ ગણેશા યુટ્યૂબ ચેનલ પણ સંભાળે છે. તેઓ કહે છે, યુ-ટ્યૂબમાં કમાણી વીડિયો વ્યૂ, એડવર્ટાઈઝ રેટ, ડોલરનો ભાવ બધા પર આધાર રાખતો હોય છે, તેમ છતાં એવરેજ હું વર્ષે 10-12 લાખ રૂપિયાની કમાણી આના દ્વારા કરું છું.

(7:25 pm IST)