Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નેશનલ કોન્ફરન્સ ફોર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર અંતર્ગત આમંત્રિત મહાનુભાવોની ગાંધીનગર સ્થિત ૪ ખ્યાતનામ સંસ્થાઓની મુલાકાત

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવઓ - અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા

ગાંધીનગર :ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટ્રસી દ્વારા આયોજિત નેશનલ કોન્ફરન્સ ફોર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર અંતર્ગત આજે આમંત્રિત મહાનુભાવો માટે ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ૪ ખ્યાતનામ સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ની મુલાકાત બાદ આમંત્રિત શિક્ષણ મંત્રીઓ તથા પ્રતિનિધિઓએ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)ની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવઓ - અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા અને સૌ મુલાકાતી મંત્રીઓએ ચારેય સંસ્થાઓની કામગીરી તથા તેના થકી ગુજરાતમાં આવેલા પરિવર્તનની બારીકાઈથી માહિતી મેળવી હતી.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) સંસ્થા અગાઉ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) તરીકે ઓળખાતી હતી. તા. ૪ એપ્રિલ ૨૦૦૭ના રોજ PDEU, GERMIની ખાનગી યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવામાં આવી હતી.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા તરીકે માન્યતા આવી છે. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટી અને ગુજરાત સરકાર દ્વારા "સેન્ટર ઑફ એક્સેલન્સ સ્ટેટસ"માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. યુનિવર્સિટી પાસે ચાર સ્કૂલ છે, જે એક જ કેમ્પસમાં સ્થિત છે જેમાં સ્કૂલ ઑફ પેટ્રોલિયમ ટેક્નોલોજી (SPT), સ્કૂલ ઑફ ટેક્નોલોજી (SoT), સ્કૂલ ઑફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ (SPM) અને સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ (SLS)નો સમાવેશ થાય છે.

(6:47 pm IST)