Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નોકરી પુરી કરી ઘરે પરત ફરતા 2 યુવાનોને ફંગોળી કાર ચાલક ફરારઃ ઘટના સ્‍થળે બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્‍યા

આણંદ પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી મૃતદેહોને પી.એમ. માટે ખસેડયાઃ અજાણ્‍યા વાહનચાલક વિરૂદ્ધ હિટ એન્‍ડ રનનો ગુનો નોંધાયો

આણંદઃ આણંદના વઘાસી નજીક નેશનલ હાઇ-વે પર હિટ એન્‍ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નોકરી કરી પરત ફરતા મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી બે યુવાનને એક કારે ટક્કર મારી હતી. જેને કારણે આ બંને યુવાનો 15 ફુટ દુર ફંગોળાયા હતા. અને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્‍થળે જ બંનેના મોત નીપજ્‍યા હતા. જ્‍યારે પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ માટે ખસેડી અજાણ્‍યા વાહનચાલક વિરૂદ્ધ હિટ એન્‍ડ રનનો ગુનો દાખલ કર્યો છે.

રાજ્યમાં અસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ભાવનગરના નવાબંદર અને આણંદમાં વઘાસી નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ 6 લોકોના મોત થયા હોવાની ગોઝારી ઘટના સામે આવી છે.

ભાવનગરમાં બનેવા ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત

ભાવનગરના અકસ્માતની વાત કરીએ તો શહેરના નવાબંદર રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને બહાર કાઢવા ફાયર વિભાગની પણ મદદ લેવાઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારબાદ પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદના વઘાસી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે નાં મોત

આણંદમાં બનેલા અકસ્માત વિશે મળતી માહિતી પ્રમાણે વઘાસી નજીક નેશનલ હાઇ-વે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનની ટકકરે બે યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પુરપાટ ઝડપે જતા વાહને ટક્કર મારતા બંને યુવાનો 15 ફૂટ દૂર ફંગોળાયા હતા. જ્યાં તેમનું મોત થયું છે.

મૃતક યુવાનો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી  હોવાનું જાણવા મળે છે અને વઘાસી નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અને નોકરી પુરી થતા તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હાઇ-વે રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી ગઈ હતી અને મૃતક બંને યુવાનોના મૃતદેહને PM માટે ખસેડાયા હતા. આ ઘટનામાં આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

(5:49 pm IST)