Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ગુજકેટ અથવા JEE આપનાર વિદ્યાર્થી ડિગ્રી એન્‍જીનીયરીંગમાં પ્રવેશ માટે 30જુન સુધી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી શકશે

પ્રવેશ માટે રાજ્‍યની 16 સરકારી સંસ્‍થા તથા અન્‍ય સ્‍વનિર્ભર સંસ્‍થાઓ સહિત કુલ 64,262 બેઠકો માટે અરજીઓ મંગાવાઇ

અમદાવાદઃ ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ ગુજકેટ અથવા JEE પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 30 જુન સુધી ડિગ્રી એન્‍જીનિયરીંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી શકશે. રાજ્‍યની 16 સરકારી સંસ્‍થા, 4 અનુદાનિત, 1 ઓટોનોમસ તથા 113 સ્‍વનિર્ભર સંસ્‍થામાં પ્રવેશ મેળવી શકશે. કુલ 64,262 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઇ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરાશે. પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓએ 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ગુજકેટ અથવા JEE આપનાર ઉમેદવાર જ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ડિગ્રી એન્જનિયરિંગનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રાજ્યની 16 સરકારી સંસ્થાઓ, 4 અનુદાનિત સંસ્થાઓ, 1 ઓટોનોમસ તેમજ 113 સ્વનિર્ભર સંસ્થાઓ પર કાર્યવાહી કરાશે. કુલ 64,262 બેઠકો પર ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે 2,066 બેઠકોનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે કુલ 66,328 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાંથી 35,499 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, 30,829 બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ અંદાજે 35,000 જેટલી બેઠકો ખાલી રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે બેઠકો ઘટવા છતાં બે નવી કોલેજોમાં કેટલાક કોર્ષ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હોવાથી એ બેઠકો માટે પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં અમદાવાદમાં આવેલો GLS યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જી. તેમજ અમદાવાદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટીમાં બી.ટેક. ઈન કલાઈમેટ ચેંજના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય AICTE ની મંજૂરીની અપેક્ષાએ નવા કોર્ષમાં 600 જેટલી બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પ્રવેશ લેવા ઈચ્છતા CBSE, ISCE, NIOS અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની માર્કશીટના બદલે બોર્ડની પરીક્ષાની હોલ ટીકીટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 જુને પૂર્ણ થશે, ત્યારબાદ ગુજકેટ આધારિત પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 6 જુલાઈએ જાહેર કરાશે. ત્યારબાદ 11 જુલાઈ સુધીમાં મોક રાઉન્ડ યોજાશે. 14 જુલાઈએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે સાથે જ ગુજકેટ આધારિત મેરીટ લીસ્ટ પણ જાહેર થશે. 25 જુલાઈએ પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ બાદ 28 જુલાઈથી શૈક્ષણિક સત્રની શરૂઆત થશે તેમજ આગળના રાઉન્ડની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

(5:48 pm IST)